મુંબઈઃ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની જન્મશતાબ્દી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા કલાગુર્જરી અને દશરથલાલ જોષી પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે 18 ડિસેમ્બરના રવિવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
૫૧ નવલકથાઓ, ૧૦ વાર્તાસંગ્રહ, બે ફિલ્મ જગતનાં સંસ્મરણો, આત્મકથા, ૧ સંપાદન જેવું માતબર સર્જન કરનાર અને ૬૦થી ૮૦ના દાયકામાં ગુજરાતીમાં સહુથી વધુ વંચાતા વાર્તાકાર-નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાનું આ જન્મશતાબ્દી વર્ષ છે. એ દાયકાઓમાં એમની એક સાથે બે નવલકથાઓ , અલગ અલગ અખબારમાં ધારાવાહિક રીતે તો છપાતી જ એ ઉપરાંત એમનાં કેટલાંક પુસ્તકોની દસ બાર આવૃત્તિઓ પણ થતી. એમના ત્રણ પુસ્તકોનો હિંદી ભાષામાં અનુવાદ પણ થયો છે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, કલાગુર્જરી તથા દશરથલાલ જોષી પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “ભીંત ફાડીને ઉગ્યો પીપળો” કાર્યક્રમમાં સિનેરાઈટર, લેખક સંજય છેલ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાના સર્જન વિશે વાત કરશે. જાણીતાં નાટ્યકલાકારો જ્હોની શાહ તથા પ્રીતા પંડ્યા, વિઠ્ઠલ પંડ્યાની વાર્તાનું વાચિકમ કરશે અને સંજય પંડ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.
૧૮ ડિસેમ્બર રવિવારે સાંજે ૬.૩૦ વાગે આ કાર્યક્રમ દશરથલાલ જોષી સભાગૃહ, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમ, મુંબઈ સરનામે યોજાયો છે અને સાહિત્યના ચાહકો, ભાવકો માટે આ જાહેર કાર્યક્રમ છે.