જાહેર શૌચાલય ખાતે પૈસા આપવાના મામલે ઝઘડામાં હત્યા

મુંબઈઃ અહીંના એક જાહેર શૌચાલયની દેખરેખ રાખવા માટે નિયુક્ત કરાયેલા એક જણે શૌચાલયનો ઉપયોગ કરી પૈસા આપ્યા વગર જતા એક અન્ય વ્યક્તિની હત્યા કર્યાનો આઘાતજનક બનાવ બન્યો છે. આ ઘટના ગયા બુધવારે રાતે મધ્ય મુંબઈના દાદર ઉપનગરમાં એક બસ સ્ટેન્ડ નજીકના શૌચાલય ખાતે બની હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ઘટનામાં માર્યા ગયેલા રાહુલ પવાર નામના વ્યક્તિએ શૌચાલયનો ઉપયોગ કર્યો હતો અને તે એ માટેના પૈસા ચૂકવ્યા વગર જતો હતો. શૌચાલયની દેખરેખ રાખનાર વિશ્વજીત નામના માણસે એને રોક્યો હતો. એમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પવારે કથિતપણે વિશ્વજીત પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. તેની સામે વિશ્વજીતે પવારના માથા પર ડંડો ફટકાર્યો હતો. પવારનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે વિશ્વજીતની ધરપકડ કરી છે.