મુંબઈ/નવી દિલ્હીઃ સિનિયર પત્રકાર અર્ણબ ગોસ્વામી પર કથિતપણે કરવામાં આવેલા હુમલાને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજે વખોડી કાઢ્યો છે અને બનાવ અંગે અહેવાલ આપવાનું મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે.
રીપબ્લિક ટીવી નેટવર્કના વડા તંત્રી ગોસ્વામીએ એક વિડિયો નિવેદન દ્વારા પોતાની પર હુમલો કરાયાની જાણકારી આપી હતી. એમણે દાવો કર્યો છે કે ગુરુવારે મધરાત બાદ 12.15 વાગ્યાના સુમારે પોતે વરલી વિસ્તારસ્થિત ટીવી ચેનલના સ્ટુડિયોમાંથી એમના પત્ની સમ્યાબ્રત ગોસ્વામી સાથે કારમાં ઘર તરફ જતા હતા ત્યારે મોટરસાઈકલ પર સવાર થયેલા બે શખ્સે એમની કાર પર હુમલો કર્યો હતો અને બારીનો કાચ તોડવાની કોશિશ કરી હતી.
ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને એવો આરોપ મૂક્યો હોવાનું કહેવાય છે કે એમની અને એમના પત્ની પર યુવા કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હતો.
પાલઘરમાં મોબ-લિન્ચિંગ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા બાદ ગોસ્વામી પર કથિત હુમલાનો બનાવ બન્યો હોવાનું કહેવાય છે.
ગોસ્વામીએ ફરિયાદમાં કહ્યું છે કે અમે કારમાં મધરાત બાદ 12.15 વાગ્યે ગણપતરાવ કદમ માર્ગ પર પહોંચ્યા ત્યારે એક બાઈકે અમારી કારનો પીછો કર્યો હતો અને બાદમાં અમને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ બંને શખ્સે કાર કોણ ચલાવી રહ્યું છે વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે બાઈકને આગળ લઈ જઈ અમારી કારનો માર્ગ અવરોધ્યો હતો અને મારી તરફ આંગળીથી ઈશારો કર્યો હતો.
ગોસ્વામીએ વધુમાં કહ્યું કે બાઈક પર પાછળ બેઠેલા માણસે અમારી કારની જમણી બાજુની બારી પર અનેક વાર પ્રહાર કર્યો હતો, પણ કાચને તોડી શક્યા નહોતા. તે પછી પાછળ બેઠેલા શખ્સે તરત જ એના ખિસ્સામાંથી એક બોટલ કાઢી હતી અને એમાંનું પ્રવાહી હું જ્યાં બેઠો હતો એ ડ્રાઈવરની સીટની બાજુના ભાગ પર ફેંક્યું હતું. એ કામ દરમિયાન બંને જણ બૂમો પાડતા હતા અને હિન્દીમાં ગાળો બોલતા હતા અને હિંસક ઈશારા કરતા હતા.
ગોસ્વામીએ બાદમાં કહ્યું કે પોલીસે બંને હુમલાખોરને પકડી લીધા છે. પોતાના અંગત રક્ષણ માટે નિયુક્ત કરાયેલા શિવાજી હોસ્માનીએ પોતાને જાણકારી આપી હતી કે હુમલાખોરોને યુવા કોંગ્રેસના સભ્યો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે જેમને ઉંચા હોદ્દા પરના લોકોએ પોતાને પાઠ ભણાવવા માટે મોકલ્યા હતા.
નવી દિલ્હીસ્થિત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે એક પત્રકાર તરીકે ગોસ્વામીએ એમના જે મંતવ્યો વ્યક્ત કર્યા એ બદલ એમની પર કથિતપણે કરવામાં આવેલા હુમલા વિશે જાણીને ચિંતા થઈ છે. આ દેશમાં પત્રકાર સહિત દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પછી ભલે એ બીજા ઘણા લોકોને પસંદ ન પણ હોય. પરંતુ એને કારણે કોઈનો અવાજ દબાવી દેવાની કોઈને સત્તા આપવામાં આવી નથી. ખરાબ પત્રકારત્વ સામે પણ હિંસા સાંખી લેવાય નહીં.
ગોસ્વામી રીપબ્લિક ટીવીના માલિક પણ છે.
પ્રેસ કાઉન્સિલે હુમલાને વખોડી કાઢ્યો છે અને એવી આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્ર સરકાર ગુનાનાં સૂત્રધારોને તત્કાળ પકડશે અને સજા કરશે.
પીસીઆઈના ચેરમેને મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે આ બાબતમાં રાજ્યના ચીફ સેક્રેટરી કે પોલીસ કમિશનર દ્વારા તપાસ કરાવે અને પોતાને વહેલી તકે એનો અહેવાલ સુપરત કરે.
નેશનલ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ (ઈન્ડિયા)એ પણ ગોસ્વામી પરના હુમલાને વખોડી કાઢ્યો છે. જોકે સંસ્થાએ એમ પણ કહ્યું છે કે પત્રકારો અને પ્રકાશનગૃહોએ પણ કોઈ પણ હાલતમાં એમની મર્યાદાને ઓળંગવી ન જોઈએ અને વ્યાવસાયિક મૂલ્યોને જ વળગી રહેવું જોઈએ.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે હુમલાને વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે આ કૃત્ય લોકશાહી વિરુદ્ધનું છે.