અમદાવાદ : શહેરો માત્ર વસવાટની જગ્યા નથી, પરંતુ દેશના આર્થિક અને સામાજિક વિકાસનું એન્જિન છે. એવો સર્વસંમતિ અભિપ્રાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા (ITPI)ના ગુજરાત પ્રાદેશિક ચેપ્ટર દ્વારા આયોજિત વર્કશોપમાં નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. ડેન્સિફિકેશન ઓફ એક્ઝિસ્ટિંગ સિટીઝ : ઓપર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ વિષયક આ વર્કશોપમાં દેશભરના શહેરી આયોજન નિષ્ણાતો, સરકારી અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શહેરો વગર વિકાસ અશક્ય
કાર્યક્રમમાં મુખ્ય વક્તવ્ય આપતાં CEPT યુનિવર્સિટીના પ્રમુખ બર્જોર મહેતાએ કહ્યું કે, ઘણાં વર્ષોથી આપણે ભારતને ગામડાઓનો દેશ માનતા આવ્યા છીએ, પરંતુ હકીકત એ છે કે શહેરો વિના કોઈપણ દેશ વિકસિત થતો નથી. ભારતને 4 ટ્રિલિયન ડોલરથી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું હોય, તો શહેરોને ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ બનાવવું જ પડશે. તેમણે ચેતવણી આપી કે જો શહેરો પોતાની ગતિ ગુમાવે તો તેઓ આર્થિક રીતે મૃત્યુ પામે છે. તેથી શહેરોના સતત પુનર્વિકાસ માટે નવા કાયદા અને નીતિઓ લાવવી આવશ્યક છે.

યોજનાબદ્ધ વિકાસ જ સમયની માંગ
ITPIના રાષ્ટ્રીય પ્રમુખ એન.કે.પટેલે જણાવ્યું કે ભારત પાસે પ્રતિ નાગરિક જમીન ખૂબ ઓછી છે. અયોગ્ય શહેરીકરણથી ખર્ચમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારણ ઊભું થાય છે. યોજનાબદ્ધ શહેરીકરણ જ એ માર્ગ છે, જે જમીનનો સમચિત ઉપયોગ, જાહેર પરિવહનને પ્રોત્સાહન, કાર્બન ઉત્સર્જન ઘટાડો અને સામાજિક એકતા પ્રબળ બનાવે છે.

અમદાવાદનો ઉલ્લેખ
કાર્યક્રમમાં અમદાવાદની મેયર પ્રતિભા જૈને કહ્યું કે, અમદાવાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી હોવા ઉપરાંત ભારતનું સૌથી સ્વચ્છ મોટું શહેર છે. હવે 2036ના ઓલિમ્પિક માટે તૈયાર થતું આ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે.

વર્કશોપના મુખ્ય મુદ્દાઓ
આ વર્કશોપમાં નીચેના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
- કોમ્પેક્ટ સિટી ડેવલપમેન્ટ મોડેલ
- નીતિગત નવીનતા અને ડિજિટલ પ્લાનિંગ ટૂલ્સ
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટનો શ્રેષ્ઠ ઉપયોગ
- જાહેર જગ્યા, ગતિશીલતા અને ટકાઉ વિકાસ માટે નવી દિશાઓ
ગુજરાત સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ તેમના અનુભવો શેર કર્યા. નિષ્ણાતોએ ભારપૂર્વક કહ્યું કે શહેરી વિકાસ માટે યોગ્ય નીતિ, મજબૂત અમલ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓનો અનુસરો – એ જ ભારતના ટકાઉ વિકાસની ચાવી છે.


