પૂજા ચવ્હાણ ભેદી મૃત્યુ-કેસઃ સંજય રાઠોડનું રાજીનામું

મુંબઈઃ પૂણે શહેરમાં 21-વર્ષીય ટીકટોક સ્ટાર પૂજા ચવ્હાણના આત્મહત્યા કેસમાં નામ સંડોવાતા મહારાષ્ટ્રના વન, ભૂકંપ પુનર્વસન ખાતાના પ્રધાન સંજય રાઠોડે એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું સ્વીકારી લીધું છે. સંજય રાઠોડ યવતમાળના શિવસેનાના વિધાનસભ્ય છે. પૂજાનાં ભેદી મૃત્યુમાં પોતે સંડોવાયેલા હોવાને રાઠોડે રદિયો આપ્યો છે. ભાજપનો આરોપ છે કે પૂજાનાં મૃત્યુ સાથે સંજય રાઠોડને સંબંધ છે, પરંતુ પૂજાનાં પરિવારજનો તરફથી હજી સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

મૂળ બીડ જિલ્લાના પાર્લી શહેરની વતની પૂજાએ ગઈ 8 ફેબ્રુઆરીએ પુણેમાં એક મકાન પરથી છલાંગ મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. એ અંગ્રેજી સ્પીકિંગ કોર્સ માટે પુણે ગઈ હતી. ત્યાં એ અન્ય બે વ્યક્તિ સાથે હેવન પાર્ક સોસાયટીમાં રહેતી હતી. એમાંનો એક તેનો ભાઈ હતો અને બીજો એનો મિત્ર હતો એવું કહેવાય છે.