80 ટકા શિક્ષકોનું રસીકરણ પૂર્ણ

મુંબઈઃ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં 1-12 ધોરણના વર્ગો ગઈ 1 ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈમાં આ વર્ગો 15 ડિસેમ્બરથી શરૂ કરાશે. મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગે આ નિર્ણય ગઈ 30 નવેમ્બરે લીધો હતો. શિક્ષણ વિભાગ તરફથી પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં 82 ટકા જેટલા શિક્ષકોએ એમની કોરોનાવાઈરસ-વિરોધી રસીના બંને ડોઝ લઈ લીધાં છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રની શાળાઓમાં શિક્ષકો તથા બિન-શિક્ષક કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ તેના દ્વારા સંચાલિત શાળાઓને સૂચના આપી છે કે 15 ડિસેમ્બરથી શાળાઓ ફરી શરૂ કરાય એની પહેલાં તમામ શિક્ષકોના પૂર્ણ રસીકરણ સહિતની તમામ કામગીરીઓ પૂરી થઈ જવી જોઈએ.

દેશભરમાં, 93 ટકા શિક્ષકો અને 87 ટકા બિન-શિક્ષક કર્મચારીઓનું પૂર્ણ અથવા આંશિક રસીકરણ થઈ ગયું છે. કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન અને નિકોબાર ટાપુઓ, લદાખ, લક્ષદ્વીપ અને ત્રિપુરા રાજ્યએ આ સંદર્ભમાં 100 ટકા લક્ષ્ય હાંસલ કરી લીધું છે.