નવા વર્ષની ઉજવણીઃ મુંબઈ સજ્જ, સુરક્ષા બંદોબસ્ત માટે 40 હજાર પોલીસ જવાન તહેનાત

મુંબઈ – આ પચરંગી શહેર અને તેના મનમોજીલા નાગરિકો 2020ના વર્ષને આવકારવા માટે સજ્જ થઈ ગયાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ નવા વર્ષની પૂર્વસંધ્યાથી લઈને આવતીકાલે નવા વર્ષના પહેલા દિવસે થનારી વિવિધ પ્રકારની ઉજવણીઓને ધ્યાનમાં લઈને લોકોની સુરક્ષા માટે અને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને એ માટે શહેરના પોલીસ તંત્રે જડબેસલાક બંદોબસ્ત કર્યો છે અને શહેરભરમાં 40 હજાર જવાનોને તહેનાત કરી દીધા છે.

એવી જ રીતે, રેલવે અને મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ વહીવટીતંત્રોએ પણ વિશેષ ટ્રેનો અને બસો દોડાવવાની પર્યાપ્ત વ્યવસ્થા કરી છે.

મુંબઈ પોલીસે રેસ્ટોરન્ટ્સ અને પબ્સ, બીયર બારને 1 જાન્યુઆરીના સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની પરવાનગી આપી છે, પરંતુ દારૂ ઢીંચીને વાહન હંકારનારાઓનું આવી બનશે.

મધરાતથી વહેલી સવાર સુધી દોડાવાશે વિશેષ લોકલ ટ્રેનો અને વિશેષ ‘બેસ્ટ’ બસ

મધ્ય અને પશ્ચિમ રેલવે આજે મોડી રાત સુધી સ્પેશિયલ લોકલ ટ્રેન સેવા પૂરી પાડશે તેમજ ‘બેસ્ટ’ વહીવટીતંત્ર વધારાની બસો દોડાવશે જેથી નવા વર્ષના સ્વાગત માટે આનંદ માણવા માટે બહાર નીકળેલા લોકો મોડી રાતે કે વહેલી સવારે ઘેર સરળતાથી પાછાં ફરી શકે.

શહેરના ટ્રાફિક વિભાગે શહેરભરમાં અમુક મહત્ત્વના સ્થળો/રૂટ્સ પર ટ્રાફિક અંગે ફેરફારોની જાહેરાત કરી છે. દક્ષિણ મુંબઈમાં સીએસએમટી રોડ, બાન્દ્રા (વેસ્ટ)માં માઉન્ટ મેરી રોડ, કેન રોડ, પરેરા રોડ અને સેન્ટ બેપ્ટિસ્ટ રોડ પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા ઘોષિત કરવામાં આવી છે. સિદ્ધિવિનાયક મંદિર, હાજી અલી, ચર્ની રોડ, મરીન ડ્રાઈવ, ગેટવે ઓફ ઈન્ડિયા, માહિમ, બાન્દ્રા રેક્લેમેશન જેવા વિસ્તારોમાં પણ અનેક રૂટ્સમાં એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો ન પડે.

સુરક્ષાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે આ વખતે બોટ પાર્ટીઓ યોજવાની મંજૂરી આપી નથી.

મધ્ય રેલવે સીએસએમટી-કલ્યાણ વચ્ચે તેમજ સીએસએમટી-પનવેલ સ્ટેશનો વચ્ચે આજે મધરાત બાદ પણ વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો દરેક સ્ટેશનોએ ઊભી રહેશે.

પશ્ચિમ રેલવેએ પણ જાહેરાત કરી છે કે તે ચર્ચગેટ અને વિરાર સ્ટેશનો વચ્ચે આજે મધરાત બાદ આઠ સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવશે.

દર વર્ષે મુંબઈ શહેર અને તેના ઉપનગરોનાં તેમજ મુંબઈની આસપાસના જિલ્લાઓનાં ઉપનગરોનાં હજારો લોકો નવા વર્ષનું સ્વાગત કરવા માટે 31 ડિસેંબરની રાતે મધરાત બાદ પણ મુંબઈમાં દરિયાકિનારાઓ, ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે, હોટલ-રેસ્ટોરન્ટ્સમાં, શોપિંગ મોલ્સમાં, મુખ્ય માર્ગો પર, મોટાં ઉદ્યાનોમાં ઉપસ્થિત રહીને આનંદ માણતાં હોય છે. તેઓ મધરાત બાદ કે વહેલી સવારે ટ્રેન દ્વારા ઘેર પહોંચી શકે એ માટે વિશેષ ટ્રેનો દોડાવવાનું રેલવેએ નક્કી કર્યું છે.

મધ્ય રેલવે મેઈન લાઈન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી રાતે દોઢ વાગ્યે કલ્યાણ માટે લોકલ ટ્રેન રવાના કરશે, જે કલ્યાણ વહેલી સવારે 3 વાગ્યે પહોંચશે.

એવી જ રીતે, કલ્યાણથી રાતે દોઢ વાગ્યે ટ્રેન રવાના થશે અને વહેલી સવારે 3 વાગ્યે સીએસએમટી પહોંચશે.

હાર્બર લાઈન પર, પનવેલ સ્પેશિયલ ટ્રેન સીએસએમટી સ્ટેશનેથી મધરાત બાદ 1.30 વાગ્યે ઉપડશે અને વહેલી સવારે 2.50 વાગ્યે પનવેલ પહોંચશે. પનવેલથી સ્પેશિયલ ટ્રેન રાતે દોઢ વાગ્યે ઉપડશે અને વહેલી સવારે 2.50 વાગ્યે સીએસએમટી સ્ટેશને પહોંચશે.

પશ્ચિમ રેલવે વિભાગ પર, ચર્ચગેટથી મધરાત બાદ 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. પહેલી ટ્રેન 1.15 વાગ્યે ઉપડશે અને વિરાર ખાતે 2.55 વાગ્યે પહોંચશે. વળતી દિશામાં, વિરારથી સ્પેશિયલ ટ્રેન બીજી ટ્રેન રાતે બે વાગ્યે ચર્ચગેટથી ઉપડશે અને 3.40 વાગ્યે વિરાર પહોંચશે, ત્રીજી ટ્રેન રાતે અઢી વાગ્યે ઉપડશે અને સવારે 4.10 વાગ્યે વિરાર પહોંચશે, ચોથી ટ્રેન ચર્ચગેટથી 3.25 વાગ્યે ઉપડશે અને સવારે 5.05 વાગ્યે વિરાર પહોંચશે.

વળતી દિશામાં, વિરાર સ્ટેશનેથી પણ ચાર ટ્રેન ચર્ચગેટ આવશે. પહેલી સ્પેશિયલ ટ્રેન વિરારથી રાતે 12.15 વાગ્યે ઉપડશે અને ચર્ચગેટ રાતે 1.52 વાગ્યે પહોંચશે, બીજી ટ્રેન 12.45 વાગ્યે ઉપડી 2.22 વાગ્યે ચર્ચગેટ પહોંચશે, ત્રીજી ટ્રેન 1.40 વાગ્યે ઉપડી 3.17 વાગ્યે ચર્ચગેટ પહોંચશે અને ચોથી ટ્રેન સવારે 3.05 વાગ્યે ઉપડી 4.41 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.

બેસ્ટ વહીવટીતંત્ર રાતે 12 વાગ્યા પછી વિશેષ બસો દોડાવશે. આ બસો બોરીવલીમાં ગોરાઈ સ્પેશિયલ, જુહૂ સ્પેશિયલ, ગેટવે સ્પેશિયલ નામોથી દોડાવવામાં આવશે.

મુંબઈ પોલીસ શહેરમાં તમામ મહત્ત્વના ધાર્મિક સ્થળો, નામાંકિત વ્યક્તિઓની પ્રતિમાઓ પાસે, શોપિંગ મોલ્સ અને થિયેટરોની બહાર ચોવીસ કલાક ચાંપતી નજર રાખી રહી છે. તે ઉપરાંત સાદા વસ્ત્રોમાં સજ્જ થયેલા પોલીસજવાનો પણ વિશેષ પહેરો ભરી રહ્યાં છે.

પોલીસે નાગરિકો માટે બે હેલ્પલાઈન રિલીઝ કરી છે જેના નંબર છે – 7738133133/7738144144. નાગરિકો આ નંબરો પર જાણ કરી શકે છે અથવા ટેક્સ્ટ મેસેજ મોકલીને મદદ મેળવી શકે છે. તે ઉપરાંત ઈમરજન્સી ‘100’ નંબર ઉપર પણ કોલ કરી શકે છે.