મુંબઈઃ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવા અંગે ધમકી આપવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની રાજ્યમાં સંયુક્ત સરકારની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે આજે ઝાટકણી કાઢી છે. પવારે રાજ ઠાકરેને ટોણો મારતા કહ્યું છે કે, ‘આ સમય તો મોંઘવારી અને બેરોજગારી વિશે બોલવાનો છે, પણ એના વિશે કોઈ બોલતું નથી.’
ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ ગઈ કાલે પડોશના થાણે શહેરમાં એવી ચેતવણી ઉચ્ચારી હતી કે શિવસેના-એનસીપી-કોંગ્રેસની મહાવિકાસ આઘાડી સરકારે તમામ મૌલવીઓ સાથે બેઠક કરવી જોઈએ અને 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવાના રહેશે. જો સરકાર તેમ કરવામાં નિષ્ફળ જશે તો મનસે પાર્ટી રાજ્યભરમાં દેખાવો કરશે. રાજ ઠાકરેએ એવી પણ ધમકી આપી છે કે જો એમની માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો એમની પાર્ટી મસ્જિદોની બહાર લાઉડસ્પીકરો પર હનુમાન ચાલીસા વગાડશે.
શરદ પવાર નાસ્તિક છે એવા રાજ ઠાકરેના આક્ષેપને રદિયો આપતા પવારે કહ્યું કે હું પણ મંદિરોમાં દર્શન કરવા જાઉં છું, પરંતુ કોઈ દેખાડો કરતો નથી. મહારાષ્ટ્રમાં સામાજિક એકતાને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોએ એમની વાતોમાં આવી જવું નહીં. મનસે પ્રમુખ રાજ ઠાકરે અને ભાજપ વચ્ચે શું સમજૂતી થઈ છે એની મને ચોક્કસ જાણ નથી, પરંતુ રાજ ઠાકરે ભાજપ વિશે એક શબ્દ પણ બોલતા નથી. આ તો એવું લાગે છે કે જાણે ભાજપે એમને સોંપેલી જવાબદારી નિભાવી રહ્યા છે.