મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSEએ) નવો થિમેટિક ઇન્ડેક્સ નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સનો પ્રારંભ કર્યો છે, જે નિફ્ટી 500માંની 30 ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કંપનીઓની કામગીરીને ટ્રેક કરશે.
આ કંપનીઓને છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનને આધારે પસંદ કરવામાં આવી છે. દરેક સ્ટોકનું વેઇટેજ તેના માર્કેટ કેપિટલાઇઝેશનના પ્રમાણ અનુસાર છે. અત્યારે 17 સ્ટોક્સની પસંદગી કરવામાં આવી છે, જેમાં બીએલએસ ઇન્ટરનેશનલ, ચાલેટ સર્વિસીસ, દેવયાની ઇન્ટરનેશનલ, ઈઝી ટ્રિપ પ્લાનર્સ, જીએમઆર એરપોર્ટ્સ, ઇન્ડિયન હોટેલ્સ, આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવે ટુરિઝમ કોર્પોરેશન) અને ઇન્ટરગ્લોબ એવિયેશનનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સની બેઝ ડેટ 1 એપ્રિલ, 2005 અને બેઝ મૂલ્ય 1000 છે. પ્રત્યેક ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ધોરણે ઈન્ડેક્સ રિબેલેન્સ કરાશે. સ્ટોક્સના વેઇટ્સની સીમા 20 ટકા નક્કી કરવામાં આવી છે.