મહારાષ્ટ્રઃ IRCTC વેબસાઈટ પરથી એસ.ટી. બસની ટિકિટ પણ બુક કરાવી શકાશે

મુંબઈઃ ભારતીય રેલવેની પેટાકંપની IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ની વેબસાઈટ https://www.bus.irctc.co.in પરથી હવે મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી.) બસની ટિકિટ પણ બુક કરાવી સકાશે. આ માટે IRCTC અને એસ.ટી. મહામંડળ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન મહામંડળ (MSRTC)ની ઓનલાઈન બસ બુકિંગ સેવાને સક્ષમ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ સુવિધા જનતા માટે શરૂ કરવામાં આવશે.

આ સેવા શરૂ થયા બાદ પ્રવાસીઓ એક સ્થળેથી ટિકિટ બુક કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે રેલવેમાં પ્રવાસ કરતા લોકોમાંથી 75 ટકાથી વધારે લોકો IRCTC વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવે છે. હવે જ્યારે IRCTC અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વચ્ચે કરાર થયો છે ત્યારે પ્રવાસીઓને એક જ સ્થળેથી રેલવે ટ્રેન અને એસ.ટી. બસની ટિકિટ બુક કરવાની સવલત પ્રાપ્ત થશે. આ કરારને લીધે પ્રવાસીઓ રહેવાની વ્યવસ્થાની સાથોસાથ, રેલવે, બસ, વિમાન અને વોટર ટ્રાન્સપોર્ટ જેવી તમામ સેવાઓ માટે યોજના બનાવી શકશે.