મુંબઈ – પંચરંગી વસ્તી ધરાવતા મુંબઈ મહાનગરમાં શોપિંગ મોલ્સ, દુકાનો અને હોટલ્સ-રેસ્ટોરન્ટ્સને ચોવીસ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય આજથી (વીતેલી મધરાતથી) અમલમાં આવ્યો છે. પહેલા દિવસે જોકે મુંબઈ નાઈટ લાઈફને અલ્પ પ્રતિસાદ મળ્યો હતો.
27 જાન્યુઆરીથી અમલમાં આવેલા નિર્ણયમાં શહેરમાં રાતે 1 વાગ્યા પછી પણ મોલ્સ અને હોટલ્સને ખુલ્લી રાખવા દેવામાં આવશે. જેથી લોકો મધરાત બાદ પણ ખરીદી કરી શકે અને ભોજન ખાઈ શકે.
રાતે મોલ્સ અને હોટલ્સ ખુલ્લી રાખવાની પરવાનગી મુંબઈમાં અમુક જ વિસ્તારોમાં આપવામાં આવી છે.
આખી રાત ખુલ્લું રાખવાની પરવાનગી બીયર બાર, પબ્સને આપવામાં આવી નથી. જો કોઈ બીયર બાર કે પબ રાતે દોઢ વાગ્યા બાદ ખુલ્લા દેખાશે તો એમનું લાઈસન્સ બે વર્ષ માટે રદ કરી દેવામાં આવશે.
ગઈ કાલે પહેલી રાતે 1 વાગ્યા બાદ ક્યાંય કોઈ શોપિંગ મોલ કે રેસ્ટોરન્ટ ખુલ્લી જોવા મળી નહોતી.
મુંબઈ નાઈટ લાઈફની કોન્સેપ્ટ આદિત્ય ઠાકરેનો છે, જે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન છે.
આદિત્ય ઠાકરે મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે. એમણે ગઈ કાલે રાતે વરલી ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ નાઈટ લાઈફ શરૂ થઈ ગઈ છે કે નહીં એ જોવા માટે એક ચક્કર લગાવ્યો હતો, પરંતુ દોઢ વાગ્યા બાદ ક્યાંય દુકાનો કે રેસ્ટોરન્ટ્સ કે મોલ ખુલ્લા જોવા મળ્યા નહોતા.
સરકાર નાઈટ લાઈફમાં સામેલ થવા માટે હોટલ-મોલ માલિકો પર કોઈ સખ્તાઈ કરવાની નથી અને દુકાનો, હોટલો, મોલ્સ ચોવીસ કલાક ખુલ્લાં રાખવાનો નિર્ણય સંબંધિત માલિકોની પસંદગી પર છોડવામાં આવ્યો છે.