મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં રહી ગયું

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે પડોશના પાલઘર જિલ્લાના ભાઈંદરમાં ગયા હતા ત્યારે સંભવિત હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી આબાદ બચી ગયા હતા.

બન્યું એવું કે ફડણવીસનું હેલિકોપ્ટર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે એના પંખાનો પાછળનો ભાગ એક કેબલ વાયરમાં ભરાઈ ગયો હતો. સદનસીબે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું નહોતું અને ફડણવીસ આબાદ બચી ગયા હતા.

પાઈલટની નજર અચાનક કેબલ વાયર ઉપર પડી હતી અને એણે હેલિકોપ્ટરને સંભાળી લીધું હતું. હેલિકોપ્ટર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.

ફડણવીસ આ પાંચમી વાર હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચવામાં ભાગ્યશાળી રહ્યા છે.

હેલિકોપ્ટરના ઉતરાણ બાદ ફડણવીસ કાર દ્વારા એમના ગંતવ્ય સ્થળે ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

હેલિકોપ્ટરના પંખા સાથે કેબલ વાયર ભરાવાની ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ફડણવીસ હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચી ગયા હોય એવું આ પહેલી વાર નથી બન્યું. આ પહેલાં ચાર વાર તેઓ આવી ઘટનામાંથી આબાદ રીતે ઉગરી ગયા હતા.

ગયા વર્ષની 9 ડિસેમ્બરે એમના હેલિકોપ્ટરને નાશિકમાં ટેક-ઓફ્ફ કર્યા બાદ તરત જ ઓવરલોડિંગને કારણે જમીન પર પાછા ઉતારવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટરમાંથી થોડોક સામાન ઉતારી દેવામાં આવ્યો હતો અને તે પછી જ હેલિકોપ્ટર ઉડવા લાયક સ્થિતિએ પહોંચી શક્યું હતું.

આજે ભાયંદરમાં ફડણવીસે જે કાર્યક્રમમાં હાજરી આપી હતી એમાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને શિપિંગ પ્રધાન નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

તે કાર્યક્રમ ભાઈંદર (વસઈ) ખાડી પર ચાર-લેનવાળો બ્રિજના બાંધકામ માટે ભૂમિપૂજનનો હતો.

એ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે, મીરા-ભાઈંદરના ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલાર સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.