મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાની ‘મથુરાદાસ મહેતા ચોક’નું નામકરણ

મુંબઈ – દેશની આઝાદીની લડતમાં યોગદાન આપનાર અને જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મથુરાદાસ એચ. મહેતાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે દક્ષિણ મુંબઈના કર્માઈકલ રોડ ખાતે જાપાનીઝ કોન્સ્યૂલેટની સામેના ચોકનું આજે સવારે ‘મથુરાદાસ મહેતા ચોક’ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રનાં ગ્રામીણ વિકાસ ખાતાનાં પ્રધાન પંકજા મુંડેનાં હસ્તે ચોક ખાતે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ચોકનું નામકરણ મહારાષ્ટ્રની પરંપરા અનુસાર તુતારી વગાડીને કરવામાં આવ્યું હતું.

એ પ્રસંગે મથુરાદાસ મહેતાના પુત્ર લાલુભાઈ મહેતા (હીરાના વેપારી), લાલુભાઈના પત્ની રૂપા બાવરી (શ્રીનાથજીનાં ભક્તિગીતોનાં રચયિતા, ગાયિકા), અન્ય સ્વજનો તથા મંગલપ્રભાત લોઢા, આણંદજીભાઈ, પુરુષોત્તમ ઉપાધ્યાય, કુલીન કોઠારી, પંકજ પારેખ, મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કમિશનર શ્રીવાસ્તવ જેવા નામાંકિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

લાલુભાઈ મહેતાના જણાવ્યા મુજબ, મુંબઈમાં આ પહેલો જ પ્રસંગ છે કે કોઈ ચોકના નામકરણ વખતે તકતી પર નામની સાથે વ્યક્તિની તસવીર પણ મૂકવામાં આવી હોય. અહીં માર્બલની તકતી પર રાષ્ટ્રીય તિરંગાની સાથે મથુરાદાસ મહેતાની રંગીન તસવીર અંકિત કરવામાં આવી છે અને એની પર કાચનું આવરણ મૂકવામાં આવ્યું છે. નામકરણ કાર્યક્રમનો થીમ ‘દેશભક્તિ’નો રાખવામાં આવ્યો હતો. મથુરાદાસ મહેતાનું બે વર્ષ પહેલાં 97 વર્ષની વયે નિધન થયું હતું. એટલી વયે પણ એમની ધગશ અને સ્ફૂર્તિ આશ્ચર્ય પમાડનારી હતી, એવું લાલુભાઈએ વધુમાં જણાવ્યું.

(તસવીરો અને વિડિયોઃ મૌલિક કોટક)

મહારાષ્ટ્રનાં પ્રધાન પંકજા મુંડે

લાલુભાઈ મહેતા (જમણે) અને મંગલ પ્રભાત લોઢા

લાલુભાઈ મહેતા, એમના પત્ની રૂપા બાવરી