મુંબઈઃ ટૂંકા અંતરે નિયમિત અવરજવર કરતા ટ્રેનપ્રવાસીઓને મોટી રાહત આપીને પશ્ચિમ રેલવેએ મુંબઈ ડિવિઝનમાં અનેક સ્ટેશનો સુધી તેની પાંચ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોની સેવાઓ 20 મહિના બાદ ફરી શરૂ કરી છે. આ ટ્રેન સેવાઓ દેશવ્યાપી લોકડાઉનને પગલે 2020ના માર્ચથી બંધ કરવામાં આવી હતી. હવે આ ટ્રેનોને ફરી શરૂ કરાતાં મુંબઈથી વાપી, વલસાડ અને સુરત સેક્ટરો વચ્ચે દૈનિક પ્રવાસ કરતા હજારો લોકોને મોટી રાહત થશે.
09159 બાન્દ્રા-વાપી અનરિઝર્વ્ડ સ્પેશિયલ (દૈનિક) ટ્રેન દરરોજ સવારે 9.15 વાગ્યે બાન્દ્રાથી ઉપડશે અને એ જ દિવસે બપોરે 1.25 વાગ્યે વાપી જશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, ભાયંદર, વસઈ રોડ, વિરાર, સફાળે, કેળવે રોડ, પાલઘર, બોઈસર, વાનગાંવ, દહાણુ રોડ, ઘોલવડ, બોરડી રોડ, ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલી સ્ટેશનોએ થોભશે.
વાપી-વિરાર શટલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ (દૈનિક) ટ્રેન, વિરાર-સુરત અનરિઝર્વ્ડ એક્સપ્રેસ (દૈનિક), વિરાર-વલસાડ શટલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ (દૈનિક) અને વલસાડ-બાન્દ્રા ટર્મિનસ અનરિઝર્વ્ડ સ્પેશિયલ (દૈનિક) ટ્રેનોને પણ ફરી શરૂ કરાઈ છે.
વિરાર-સુરત અનરિઝર્વ્ડ એક્સપ્રેસ ટ્રેન વિરારથી દરરોજ સાંજે 5.05 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે રાતે 11.20 વાગ્યે સુરત પહોંચશે. વળતી સફરમાં, ટ્રેન દરરોજ સવારે સુરતથી 4.15 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે સવારે 9.55 વાગ્યે વિરાર પહોંચશે.