એન્જિન ડ્રાઈવરની સતર્કતાએ વરિષ્ઠ નાગરિકનો જીવ બચાવ્યો

મુંબઈઃ પડોશના કલ્યાણ રેલવે સ્ટેશન નજીક ગઈ કાલે એક વરિષ્ઠ નાગરિક ટ્રેન નીચે કચડાઈ જાત, પરંતુ સતર્ક એન્જિન ડ્રાઈવર (લોકો પાઈલટ) એસ.કે. પ્રધાને એન્જિનની ઈમરજન્સી બ્રેક લગાવી દેતાં તે વૃદ્ધજનનો જાન આબાદ બચી ગયો હતો. કલ્યાણ રેલવે સ્ટેશન પાસે એક વૃદ્ધ માણસ પાટા ઓળંગતા હતા. એમને એ ખબર નહોતી કે એ જ પાટા પર ટ્રેન આવી રહી છે. મધ્ય રેલવેના ચીફ પર્મેનન્ટ વે ઈન્સ્પેક્ટર સંતોષકુમારની નજર પડતાં એમણે બૂમાબૂમ કરીને એન્જિન ડ્રાઈવરને ચેતવ્યો હતો. મુંબઈથી વારાણસી જતી ટ્રેનના એન્જિનના ડ્રાઈવરે વૃદ્ધને પાટા પર ચાલતા જોયા અને એણે તરત જ ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. એન્જિનનો સહેજ ધક્કો લાગતાં વૃદ્ધજન નીચે પડી ગયા અને એન્જિનની નીચે જતા રહ્યા હતા. એમને કોઈ પણ મોટી ઈજા વગર એન્જિનની નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. વૃદ્ધને પાટા પર પડતાં જોઈને રેલવેના અન્ય અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા અને સૌએ મદદ કરીને એન્જિનની નીચે આવી ગયેલા વૃદ્ધને બહાર કાઢ્યા હતા.

 

મધ્ય રેલવેના જનરલ મેનેજરે વ્યક્તિનો જાન બચાવવા બદલ એન્જિન ડ્રાઈવર એસ.કે. પ્રધાન, સહાયક એન્જિન ડ્રાઈવર રવિશંકર અને ચીફ પર્મેનન્ટ વે ઈન્સ્પેક્ટર સંતોષકુમાર – દરેકને રૂ. 2,000નું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે. મધ્ય રેલવેએ તે ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. પાટા ઓળંગવા એ ગેરકાયદેસર અને જાન માટે જોખમી છે એવું રેલવે વહીવટીતંત્ર તરફથી દરરોજ વારંવાર જણાવવામાં આવે છે તે છતાં ઘણાં લોકો જાનની પરવા કર્યા વગર પાટા ઓળંગવાની ભૂલ કરે છે.