હેલ્મેટ ફરજિયાતઃ નિયમનો સખ્તાઈપૂર્વક અમલ આજથી શરૂ

મુંબઈઃ શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગે ટુ-વ્હીલર્સ ચાલકો તથા એમની પાછળ બેસનાર, બંને જણ માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનું કડક રીતે પાલન કરવાનું આજથી શરૂ કરી દીધું છે. આ નિયમનું પાલન ન કરનારાઓને રૂ. 500નો દંડ કરાશે એટલું જ નહીં, એનાથી પણ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કેસમાં ટુ-વ્હીલર ચાલકનું લાઈસન્સ તાબડતોબ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ટ્રાફિક વિભાગે મોટરબાઈક, સ્કૂટર ચાલકો તથા એમની પાછળ બેસનાર વ્યક્તિ, બંને માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવાના નિયમની 15 દિવસ પહેલાં જાહેરાત કરી હતી અને આ નિયમનું પાલન કરવા માટે સજ્જ થવા માટે એમને 15-દિવસની મહેતલ આપી હતી. હવે આજથી એ નિયમનો કડક રીતે અમલ શરૂ થઈ ગયો છે. નિયમનું સખ્તાઈપૂર્વક પાલન કરાવવા માટે ટ્રાફિક વિભાગે શહેરમાં 50 ટ્રાફિક પોલીસ ચોકીઓ શરૂ કરી છે.

હેલ્મેટ ન પહેરવાથી ટુ-વ્હીલર ચાલક કે પાછળ બેઠેલી વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયાની અનેક ઘટનાઓ બની છે. એવી દુર્ઘટનાઓને રોકવા માટે જ ટ્રાફિક વિભાગે બંને જણ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કર્યું છે. આમ, ટુ-વ્હીલર ચાલકે હવે પોતાની હેલ્મેટ ઉપરાંત એક એક્સ્ટ્રા હેલ્મેટ પણ ખરીદવી પડશે અને સાથે રાખવી પડશે.