મુંબઈમાં ફરી વરસાદ જામ્યો; સાયન, કુર્લા, માટુંગા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

મુંબઈ – શહેરમાં આજે ફરી વરસાદનો દિવસ છે. ગઈ મધરાત બાદ અને વહેલી સવારથી જોરદાર વરસાદ પડતાં સાયન, કુર્લા, હિંદમાતા, લાલબાગ, દાદર, અંધેરી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આજે સવારે 8 વાગ્યે પણ વરસાદ ચાલુ હતો.

મધ્ય રેલવે વિભાગના, સાયન અને માટુંગા રેલવે સ્ટેશનો વચ્ચે પાટા પર પાણી ભરાતાં ટ્રેન સેવા ધીમી પડી ગઈ છે.

પડોશના નવી મુંબઈમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

મધ્ય મુંબઈના અનેક ભાગોમાં રસ્તાઓ જળબંબાકાર થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

સાયન ઉપનગરમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે દ્રષ્ટિગોચરતા ખરાબ થવાથી 3 કાર એકબીજા સાથે અથડાઈ પડી હતી. અકસ્માતમાં 8 જણને ઈજા થઈ હતી.

હવામાન વિભાગના ઉપનગરીય કાર્યાલય – સાંતાક્રુઝ કાર્યાલયે 58 મિ.મી. વરસાદ પડ્યાની અને તળ મુંબઈના કોલાબા કાર્યાલયે 171 મિ.મી. વરસાદ પડ્યાનું નોંધ્યું છે.

હવામાન વિભાગની આગાહી છે કે બુધવારે અને ગુરુવારે મુંબઈમાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. 26 અને 27 જુલાઈએ અતિવૃષ્ટિ થઈ શકે છે. મહારાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં પણ જોરદાર વરસાદ પડશે.

છેલ્લા ત્રણેક દિવસથી કોંકણ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. 24-25 જુલાઈએ કોંકણ વિભાગમાં અતિવૃષ્ટિની સંભાવના છે.