મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર અને શહેરની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા ઈચ્છતાં નાગરિકો માટે QR-કોડ (ક્વિક રિસ્પોન્સ) આધારિત રેલવે પાસ ઈસ્યૂ કરવાની વ્યવસ્થા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની હદમાં આવેલા 65 રેલવે સ્ટેશનો ખાતે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને એવા નાગરિકોને મુંબઈની લોકલ ટ્રેનોમાં આવતી 15 ઓગસ્ટથી પ્રવાસ કરવાની છૂટ આપી છે જેમણે કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા હશે અને તેમણે બીજો ડોઝ તેઓ જ્યારથી ટ્રેનમાં પ્રવાસ કરવા માગતા હોય એના 14 દિવસ પહેલાં લઈ લીધો હોવો જોઈએ.
મેયર પેડણેકરે કહ્યું છે કે સ્ટેશનો ખાતેના ટિકિટ કાઉન્ટરો પર સ્વાભાવિકપણે જ લાંબી લાઈનો લાગશે તેથી નાગરિકોએ બોલાચાલી કે ઝઘડા કરવા નહીં. લોકોએ સહકાર આપવો પડશે અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે.
