મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરમાં એક ઉદ્યોગપતિનું કથિતપણે અપહરણ કરવા બદલ પોલીસે બોરીવલી (પૂર્વ)ના માગાઠાણે મતવિસ્તારમાં શિવસેના પાર્ટી (શિંદે જૂથ)ના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના પુત્ર રાજ સુર્વે તથા બીજા આશરે 15 જણ સામે ગુનો નોંધ્યો છે.
38 વર્ષના અને ગોરેગાંવ (પૂર્વ)માં રહેતા ગ્લોબલ મ્યૂઝિક જંક્શન પ્રા.લિ. કંપનીના સીઈઓ રાજકુમાર જગદિશ સિંહે કરેલી ફરિયાદને પગલે પોલીસે આ વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છેઃ મનોજ મિશ્રા, પદમાકર, રાજ સુર્વે, વિકી શેટ્ટી અને બીજી 10-15 અજ્ઞાત વ્યક્તિઓ. આ તમામ સામે ઈન્ડિયન પીનલ કોડ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમ કે, અપહરણ કરી બાનની રકમ માગવી, હુમલો કરવો, ગેરકાયદેસર રીતે એકઠા થવું, રમખાણ કરવું, ઈરાદાપૂર્વક કોઈનું અપમાન કરવું, ક્રિમિનલ ધમકી આપી, જીવલેણ અને પ્રતિબંધિત શસ્ત્રો રાખવા.