ફોન-ટેપિંગ કેસમાં પોલીસે ફડણવીસની બે-કલાક પૂછપરછ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ટોચના રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓનાં ટેલિફોન કોલ્સને ગેરકાયદેસર રીતે કથિતપણે ટેપ કરવાના કેસના સંબંધમાં મુંબઈ પોલીસના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનના સાઈબર વિભાગના અધિકારીઓએ દક્ષિણ મુંબઈસ્થિત મલબાર હિલ વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આવેલા નિવાસસ્થાન ‘સાગર’ ખાતે જઈને એમની બે કલાક સુધી પૂછપરછ કરી હતી અને એમનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. આ માટે ફડણવીસના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષાનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારી અને મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગનાં ભૂતપૂર્વ કમિશનર રશ્મી શુક્લા પર આરોપ છે કે મહારાષ્ટ્રમાં આ પૂર્વે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર હતી ત્યારે એમણે રાજકીય નેતાઓ તથા વરિષ્ઠ અધિકારીઓનાં ફોન પરની વાતચીત ગેરકાયદેસર રીતે ટેપ કરાવી હતી. એમાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત, એનસીપીના એકનાથ ખડસે અને કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલેનો પણ સમાવેશ થાય છે. આ સંબંધમાં શુક્લા સામે ગયા વર્ષના માર્ચમાં મુંબઈ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. એને પડકારતી શુક્લાની અરજીને મુંબઈ હાઈકોર્ટે ગયા ડિસેમ્બરમાં નકારી કાઢી હતી. ફડણવીસે એમ કહ્યું હતું કે, રશ્મી શુક્લાએ રાજ્યના પોલીસ વિભાગમાં ટ્રાન્સફરની બાબતમાં કથિતપણે પ્રવર્તતા ભ્રષ્ટાચાર વિશે એ વખતનાં મહારાષ્ટ્રના પોલીસ વડાને પત્ર લખીને જાણકારી આપી હતી. એ પત્રમાં ટેપ કરાયેલા ફોન કોલ્સની વિગતો પણ આપવામાં આવી હતી.

હાલ મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળ એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે અને તેમણે આ મુદ્દે રશ્મી શુક્લા, ફડણવીસને સકંજામાં લીધાં છે. શિવસેનાનો આરોપ છે કે રશ્મી શુક્લાએ પરવાનગી લીધા વગર ફોન ટેપ કર્યાં હતાં. મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગે આ વિશે ગયા વર્ષે બીકેસી સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજ્યના આ પહેલાંના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ એમના તપાસ અહેવાલમાં જણાવ્યું હતું કે રશ્મી શુક્લાએ ખાનગી અહેવાલ લીક કરી દીધો હતો.