મુંબઈઃ દેશના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ ‘બાબાસાહેબ’ આંબેડકર એક સમયે મધ્ય મુંબઈના માટુંગા (પૂર્વ) ઉપનગરમાં જ્યાં નિવાસ કરતા હતા એ ‘રાજગૃહ’માં અજ્ઞાત ઉપદ્રવીઓએ ગઈ કાલે રાતે તોડફોડ કરી હતી. પોલીસે એના સંબંધમાં એક શકમંદને અટકમાં લીધો છે.
રાજગૃહમાં તોડફોડની ઘટના મંગળવારે રાતે બની હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત અનેક રાજકીય નેતાઓએ આ કૃત્યને વખોડી કાઢ્યું છે. ઠાકરેએ કહ્યું છે કે આ કૃત્ય કરનાર સામે કડક પગલું ભરવામાં આવશે.
આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકરે માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એમણે કહ્યું હતું કે એક અજાણ્યો શખ્સ સીસીટીવીમાં ઝડપાઈ ગયો છે, એ મંદબુદ્ધિનો હોય એવું લાગતું હતું. એ માણસ સોમવારે સાંજે રાજગૃહની નજીક ફરતો દેખાયો હતો. જ્યારે પોતે એને પૂછ્યું હતું કે તું અહીંયા શું કામ આંટા મારે છે, ત્યારે એ ગુસ્સે ભરાયો હતો અને પછી ત્યાંથી જતો રહ્યો હતો.
મુંબઈ પોલીસે રાજગૃહમાં તોડફોડ કરવા બદલ અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે. કહેવાય છે કે બે વ્યક્તિએ મકાનની કાચની બારીઓ પર પથ્થર ફેંક્યા હતા અને સીસીટીવી કેમેરાઓને નુકસાન પહોંચાડ્યું હતું. એમણે રાજગૃહમાં રાખવામાં આવેલા કૂંડાઓને પણ જમીન પર પછાડી દીધા હતા.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે એક શખ્સ મકાનના કમ્પાઉન્ડમાં રાખેલા ફૂલના કૂંડાઓને પછાડે અને પછી ત્યાંથી ભાગી જાય છે.
રાજગૃહ માટુંગા-દાદર (પૂર્વ) સ્થિત હિન્દુ કોલોની વિસ્તારમાં આવેલું છે. આ બે માળવાળો હેરિટેજ બંગલો છે. એ આંબેડકરનું મ્યુઝિયમ છે, કારણ કે ત્યાં આંબેડકરના પુસ્તકો, છબીઓ, અસ્થિઓ તથા એ જે ઉપયોગમાં લેતા હતા તે વાસણો તથા અન્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ રાજગૃહમાં આંબેડકરના પુત્રવધુ તથા પૌત્રો રહે છે. આ પૌત્રો છે – પ્રકાશ આંબેડકર (વંચિત બહુજન આઘાડીના નેતા), આનંદરાવ અને ભીમરાવ.
પ્રકાશ આંબેડકર હાલ અકોલા ગયા છે. ત્યાંથી એમણે એમના સાથીઓ, કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને રાજગૃહની બહાર એકઠાં ન થાય.
