મુંબઈના ન્હાવા શેવા બંદરમાં રૂ.24 કરોડની વિદેશી સિગારેટ પકડાઈ

મુંબઈઃ કેન્દ્ર સરકાર સંચાલિત ડાઈરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એજન્સીના અધિકારોએ અહીંની પડોશના નવી મુંબઈ શહેરમાં આવેલા કેન્દ્ર સરકાર હસ્તકના ન્હાવા શેવા શિપિંગ પોર્ટ વિસ્તારમાં દરોડો પાડીને એક કન્ટેનરમાંથી વિદેશી મૂળની 1 કરોડ 20 લાખ સિગારેટ સ્ટિક્સ જપ્ત કરી છે. આ સિગારેટ સ્ટિક્સની કિંમત રૂ. 24 કરોડ થાય છે. તે કન્ટેનર ન્હાવા શેવામાં ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન ખાતેના એક સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તરફ મોકલવામાં આવતું હતું. આ સ્થળે વ્યાપાર અને વેરહાઉસિંગ પ્રવૃત્તિઓ થાય છે. FTWZ ભારતની અંદર આવેલા આ એક વિદેશી ટેરિટરી જેવું છે.

ડીઆરઆઈ અમલદારોએ ન્હાવા શેવાના સાઈ ખાતે ‘આર્શિયા FTWZ’ તરફ જતા કન્સાઈનમેન્ટને આંતર્યું હતું. તેમાંના માલને બાદમાં અન્ય માલ સાથે બદલી નાખવામાં આવનાર હતો અને પછી ખુલ્લી બજારમાં એને દાણચોરીપૂર્વક વેચાણમાં મૂકવામાં આવનાર હતો. અમલદારોએ પાંચ જણની ધરપકડ પણ કરી છે.

ન્હાવા શેવા પોર્ટને જવાહરલાલ નેહરુ પોર્ટ અથવા એએલએન પોર્ટ પણ કહે છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ બાદ આ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું કન્ટેનર બંદર (કાર્ગો માટેનું બંદર) છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ઓથોરિટી આ બંદરનું સંચાલન કરે છે. આ બંદર મુંબઈની પૂર્વ બાજુએ, મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં, નવી મુંબઈ શહેરમાં અરબી સમુદ્રના પૂર્વીય કાંઠે આવેલું છે. થાણે ખાડી મારફત ત્યાં પહોંચી શકાય છે.