મેટ્રો-લાઈન 2A, 7 પર ‘આઝાદી એક્સપ્રેસ’ ટ્રેન

મુંબઈઃ દેશવ્યાપી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઝુંબેશના ભાગરૂપે મુંબઈમાં મેટ્રો લાઈનો – 2A (દહિસર પૂર્વથી ડી.એન. નગર (અંધેરી પશ્ચિમ) તથા લાઈન-7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) પર ગઈ કાલે સ્વતંત્રતા દિવસથી ટ્રેનોના કાફલામાં નવી, વિશેષ ‘આઝાદી એક્સપ્રેસ’નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ટ્રેનનું ‘મેક ઈન ઈન્ડિયા’ ઉપક્રમ હેઠળ નિર્માણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વીડિયોકોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવી આ ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો. ટ્રેનની આરંભિક સફરમાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓનાં વંચિત વર્ગનાં બાળકોને વિશેષ, મફતમાં પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટ અમલીકરણ સત્તાધીશ એજન્સી મહા મુંબઈ મેટ્રો રેલ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નવી ટ્રેનની ફેરીઓની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે. નવી ‘આઝાદી એક્સપ્રેસ’ ટ્રેનની 18 ફેરીઓના ઉમેરા સાથે આ બંને મેટ્રો લાઈન પર ટ્રેનોની ફેરીઓની સંખ્યા વધીને 172 થશે. આને કારણે બે ફેરી વચ્ચેનો સમયગાળો હાલની 12 મિનિટથી ઘટીને 10 મિનિટનો થશે. પ્રવાસીઓનો સમય બચશે.

નવી ટ્રેનને રાષ્ટ્રધ્વજના પ્રતીકમાં આવરી લેવામાં આવી છે. તેની પર મરાઠા યોદ્ધા છત્રપતી શિવાજી મહારાજ તેમજ મહારાષ્ટ્રના ઐતિહાસિક સ્થાનો તથા હેરિટેજ સ્મારકોની તસવીરો-રેખાચિત્રો દર્શાવવામાં આવ્યા છે.

2A લાઈન હાલ દહિસર પૂર્વથી કાંદિવલી વેસ્ટના દહાણુકરવાડી સ્ટેશન સુધી ચલાવવામાં આવે છે. તેને ડી.એન. નગર (અંધેરી વેસ્ટ) સુધી લંબાવવાનું કામ ચાલી રહ્યું છે. એવી જ રીતે, લાઈન-7 પરની મેટ્રો ટ્રેન હાલ દહિસર પૂર્વથી ગોરેગાંવ પૂર્વના આરે સ્ટેશન સુધી ચલાવાય છે. તેને પણ અંધેરી પૂર્વ સુધી લંબાવવાનું કામ ચાલુ છે. આ બંને લાઈનનું વિસ્તરણ કાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂરું થવાની ધારણા છે.

(તસવીર સૌજન્યઃ @MahaDGIPR, @MMMOCL_Official)