મુંબઈઃ ગયા અઠવાડિયે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અત્રેના વિલે પારલે ઉપનગરમાં યોજવામાં આવેલા દહીંહાંડી ઉત્સવમાં એક ‘ગોવિંદા’ યુવકના નિપજેલા મરણના સંબંધમાં પોલીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના એક સ્થાનિક નેતાની ધરપકડ કરી છે. આ નેતાનું નામ છે રિયાઝ શેખ. એ 35 વર્ષનો છે અને મૃતક યુવકનું નામ સંદેશ દળવી હતો, એ 22 વર્ષનો હતો.
ગઈ 19 ઓગસ્ટે વિલે પારલેના તે વિસ્તારમાં દહીંહાંડી (મટકી ફોડ) ઉત્સવના આયોજન વખતે રચવામાં આવેલા માનવ પિરામીડમાં સંદેશ દળવી પણ સામેલ થયો હતો. પરંતુ એને માથામાં ગંભીર ઈજા થઈ હતી. એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રાતે એનું મરણ થયું હતું. પોલીસે ભારતીય ફોજદારી કાયદાની 304-એ (બેદરકારીથી કોઈનું મૃત્યુ નિપજાવવા) અને 338 (જાનને જોખમમાં મૂકતું કૃત્ય કરીને કોઈને ગંભીર ઈજા પહોંચાડવા)ની કલમો હેઠળ ગુનો નોંધી રિયાઝ શેખની ધરપકડ કરી છે.