મુંબઈમાં મલ્ટીપ્લેક્સીસમાં ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો લાવવાની હજી પરવાનગી નથી

મુંબઈ – મહાનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં દર્શકોને બહારથી કે ઘેરથી ખાદ્યપદાર્થો મલ્ટીપ્લેક્સીસ થિયેટરોમાં લઈ જવાની પરવાનગી નથી, કારણ કે મલ્ટીપ્લેક્સીસના માલિકોનું કહેવું છે કે આ પરવાનગી આપવાનું જણાવતો કોઈ લેખિત ઓર્ડર એમને સરકાર તરફથી મળ્યો નથી.

બહારના ખાદ્યપદાર્થોના મામલે આમ, દર્શકો તથા મલ્ટીપ્લેક્સીસના માલિકો વચ્ચેની લડાઈ હજી ચાલુ છે.

જોકે રાજ્ય સરકારે દર્શકોને ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો મલ્ટીપ્લેક્સીસમાં લઈ જવા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે અને એ નિયમ ગઈ 1 ઓગસ્ટથી લાગુ થયો છે.

રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન રવિન્દ્ર ચવાણે રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રમાં જાહેરાત કરી હતી કે થિયેટરોની અંદર દર્શકોએ ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો લઈ જવા નહીં એવી મહારાષ્ટ્ર સિનેમાઝ (રેગ્યૂલેશન્સ) એક્ટ, 1966 હેઠળ કોઈ મનાઈ ફરમાવાઈ નથી. એ પ્રતિબંધ 1 ઓગસ્ટથી હટાવી લેવામાં આવશે.

તે છતાં ઘણા મલ્ટીપ્લેક્સીસમાં દર્શકોને બહારથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ લાવવાની પરવાનગી અપાઈ નથી. મલ્ટીપ્લેક્સીસ એસોસિએશન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે એના એક પણ સભ્ય મલ્ટીપ્લેક્સને રાજ્ય સરકાર તરફથી આ વિશેનો લેખિત ઓર્ડર હજી સુધી મળ્યો નથી.

અગાઉ, મુંબઈ હાઈકોર્ટે પણ એક જનહિતની અરજી પરની સુનાવણી વખતે સવાલ કર્યો હતો કે મહારાષ્ટ્રભરના મલ્ટીપ્લેક્સીસમાં ખાદ્યપદાર્થો અસાધારણ રીતે ઊંચા ભાવે વેચવામાં આવે છે તો સરકારનો એની પર કોઈ અંકુશ કેમ નથી.

મહારાષ્ટ્ર સરકારે હસ્તક્ષેપ કરવાની ના પાડી

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે હાઈકોર્ટને એક સોગંદનામામાં જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સીસમાં દર્શકોને બહારથી ખાદ્યપદાર્થો લાવવાની પરવાનગી આપવી સલામતીના કારણોસર યોગ્ય નથી એટલે તે મલ્ટીપ્લેક્સીસમાં બાહ્ય ખાદ્યપદાર્થોના મામલે મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માગતી નથી.

આ સોગંદનામું મહારાષ્ટ્રના ગૃહ વિભાગના નાયબ સચિવ વેંકટેશ ભટ્ટે નોંધાવ્યું છે. એમણે કોર્ટને જણાવ્યું છે કે મલ્ટીપ્લેક્સીસમાં બહારથી ખાદ્યપદાર્થો લઈ જવાની કોઈ ચોક્કસ મનાઈ ફરમાવાઈ નથી, પરંતુ રાજ્યના પોલીસ વડાના અભિપ્રાય મુજબ, દર્શકોને એવી પરવાનગી આપવાથી સલામતીને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને અંધાધૂંધી ફેલાઈ શકે છે એટલે સરકાર આ મામલે કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરવા માગતી નથી.