મુંબઈઃ અહીંના કાંદિવલી ઉપનગરમાં 22-માળના એક મકાનની સાંકડી છાજલી પર બે હાથ પર ઊભા રહીને મૃત્યુને આમંત્રણ આપતો અત્યંત જોખમી ‘હેન્ડસ્ટેન્ડ’ સ્ટન્ટ કરનાર 23 વર્ષના એક યુવકની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ સ્ટન્ટનો વિડિયો ઉતારી સોશિયલ મિડિયા પર પોસ્ટ કરનાર યુવકના બે મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા અમુક દિવસોથી આ સ્ટન્ટનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો. કેટલાક લોકોએ એ વિશે પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે આ શખ્સની શોધ શરૂ કરી હતી. આખરે પોલીસે એનો તાગ મેળવ્યો હતો અને સ્ટન્ટબાજ યુવકોની ધરપકડ કરી હતી. એમની સામે ભારતીય ફોજદારી કાયદાની સંબંધિત કલમ (336 – પોતાનો જાન જોખમમાં મૂકવો કે પોતાની તથા અન્યોની સલામતીને જોખમમાં મૂકવી) હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આ યુવકનું નામ નોમાન ડિસોઝા છે. પોલીસે ગઈ કાલે રાતે એને શોધીને એની ધરપકડ કરી હતી. યુવકે કાંદિવલી (પશ્ચિમ)ના લાલજી પાડા વિસ્તારમાં આવેલી જય ભારત સોસાયટીના 22મા માળે ચડીને ખતરનાક સ્ટન્ટ કર્યો હતો.
વિડિયોમાં જોવા મળ્યું કે નોમાન ડિસોઝા સ્ટન્ટ શરૂ કરતા પહેલાં એક કેનમાંથી કોઈક ડ્રિન્ક પીએ છે અને પછી સાંકડી છાજલી પર ઉતરે છે, જે માંડ બે ફૂટની હશે. સ્ટન્ટ કર્યા પછી એ યુવક છાજલી પરથી બારીના કઠેડા પરથી કૂદકો મારીને મકાનની અંદર જતો જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સેલ્ફી કે વિડિયો ફિલ્મ ઉતારીને સોશિયલ મિડિયા પર મૂકી લોકોની ઈન્સ્ટન્ટ વાહ-વાહ મેળવવાની લાલચમાં પોતાનો જાન જોખમમાં મૂકતા સ્ટન્ટ કરવાના પ્રયાસમાં દુનિયાભરમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે.