મુંબઈઃ શહેરમાં લોકોને આરામદાયક અને ઠંડા મજાના વાતાવરણમાં લોકલ ટ્રેન પ્રવાસ કરાવવા માટે પશ્ચિમ રેલવેએ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન સેવા શરૂ કરી છે. પશ્ચિમ રેલવેએ આજથી અહીં તેના લોકલ રૂટ પર એસી ટ્રેનોની 8-ખેપ વધારી દીધી છે. આ સાથે એસી લોકલની ટ્રેનોની ખેપની કુલ સંખ્યા હાલની 12થી વધીને 20 થઈ છે.
નવા 8-ફેરામાં, બબ્બે ફેરા સવાર-સાંજના ધસારાના સમયમાં અને બાકીના ચાર ફેરા નોન-પીક અવર્સમાં અપ અને ડાઉન લાઈન પર શરૂ કરાયા છે. અપ-લાઈન પર, એક એસી લોકલ વિરાર અને ચર્ચગેટ વચ્ચે, બે ટ્રેન બોરીવલી-ચર્ચગેટ વચ્ચે અને એક ટ્રેન ગોરેગાંવ અને ચર્ચગેટ વચ્ચે દોડાવવામાં આવે છે. ડાઉન-લાઈન પર, એક ટ્રેન ચર્ચગેટ અને નાલાસોપારા વચ્ચે, બે ટ્રેન ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે તથા એક ટ્રેન ચર્ચગેટ અને ગોરેગાંવ વચ્ચે દોડાવાય છે.
મધ્ય રેલવે મુંબઈમાં 26 એસી લોકલ ટ્રેન દોડાવે છે. આમાં, 16 એસી લોકલ ટ્રાન્સ-હાર્બર લાઈન પર થાણે-વાશી-પનવેલ વચ્ચે દોડાવાય છે. જ્યારે બાકીની ગાડીઓ મેન લાઈન પર દોડાવાય છે.