ચૂંટણી પંચના આદેશને પગલે મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર દેવેન ભારતીની બદલી કરી દેવાઈ

મુંબઈ – મહાનગરના જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દેવેન ભારતીની કોઈ અન્ય હોદ્દા પર બદલી કરી દેવાના ચૂંટણી પંચે આપેલા આદેશને પગલે મહારાષ્ટ્ર સરકારે આજે ભારતીની બદલી કરી નાખી છે.

ભારતીની જગ્યાએ વિનયકુમાર ચૌબેને જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો-વ્યવસ્થા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૌબે 1995ના બેચના પોલીસ (IPS) ઓફિસર છે.

ભારતીને જોઈન્ટ પોલીસ કમિશનર (ઈકોનોમિક ઓફેન્સીસ વિન્ગ) બનાવી દેવામાં આવ્યા છે. આ હોદ્દા પર પહેલાં ચૌબે હતા.

(ડાબે) દેવેન ભારતી. (જમણે) એમના અનુગામી વિનયકુમાર ચૌબે

દેવેન ભારતીને એમના હોદ્દા પર ચાલુ રહેવા દેવાની મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પંચને વિનંતી કરી હતી, પણ પંચે તે નકારી કાઢી છે.

પંચે શનિવારે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે ભારતીને કોઈ અન્ય હોદ્દા પર શિફ્ટ કરી દે.

ચૂંટણી પંચે એક સર્ક્યૂલર બહાર પાડીને દેશની તમામ સરકારોને આદેશ આપ્યો હતો કે જે કોઈ પુરુષ કે મહિલા અધિકારીએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન એક જ જિલ્લામાં ત્રણ વર્ષ પૂરા કરી લીધા હોય અને ચૂંટણીના કામકાજમાં એ સીધી રીતે જોડાયેલા હશે તેવા અધિકારીઓને તેમના હાલના હોદ્દા પર ચાલુ રહેવા દેવામાં નહીં આવે.

ભારતી 205ના એપ્રિલમાં મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ હોદ્દા પર આટલી લાંબી મુદત સુધી ચાલુ રહેનાર તે પહેલા પોલીસ અધિકારી છે.

ભારતી 1994ના બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ ઓફિસર છે. એમણે મુંબઈના 26/11 ટેરર હુમલાઓ અને પત્રકાર જે ડેની હત્યાના કેસ સહિત અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં તપાસ હાથ ધરી હતી.

મહારાષ્ટ્ર રાજ્યમાં ઈન્ડિયન મુજાહિદ્દીન ટેરર સંગઠનની કરોડરજ્જુ ભાંગી નાખવામાં પણ ભારતીએ ચાવીરૂપ કામગીરી બજાવી હતી.