મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મહાનગરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન નિયંત્રણોને ‘મિશન બીગિન અગેન’ ઝુંબેશ અંતર્ગત તબક્કાવાર હળવા બનાવવાનું નક્કી કર્યું છે.
બીએમસી દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, પાંચમી ઓગસ્ટથી શોપિંગ મોલ્સ અને બજારોને અઠવાડિયાના સાતેય દિવસ સવારે 9થી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવામાં આવશે. જોકે મોલ્સની અંદરની રેસ્ટોરન્ટ્સ, સિનેમાગૃહો અને ફૂડ કોર્ટ્સને હજી શરૂ કરવા દેવામાં નહીં આવે.
મોલ્સમાં આવેલી રેસ્ટોરન્ટ્સના રસોડાને એ શરતે ખુલ્લી રાખવા દેવામાં આવશે કે એની ફૂડ આઈટમ્સની એગ્રીગેટર્સ મારફત માત્ર હોમ ડિલીવરી જ કરાશે.
તમામ રાજ્ય સરકારી કાર્યાલયોને 15 ટકા કર્મચારીઓ અથવા 15 કર્મચારીઓ, બંનેમાંથી જે વધારે હોય, એ શરતે ચાલુ રાખવા દેવામાં આવશે. જ્યારે ખાનગી ઓફિસોમાં 10 ટકા સ્ટાફ અથવા 10 કર્મચારી, બંનેમાંથી જે વધારે હોય, એ શરતે ચાલુ રાખવા દેવામાં આવશે.