મુંબઈ મહાનગરપાલિકાએ ચર્ની રોડમાં સુરક્ષાને કારણે ફૂટ ઓવરબ્રિજ બંધ કર્યો

મુંબઈ – પશ્ચિમ રેલવેના ચર્ની રોડ રેલવે સ્ટેશનના ઉત્તર તરફના છેડા અને સૈફી હોસ્પિટલના પ્રવેશદ્વાર સાથે જોડતો ફૂટ ઓવરબ્રિજ મુંબઈ મહાનગરપાલિકાએ સલામતીના કારણોસર બંધ કરાવી દીધો છે.

આ પૂલની નીચેના ભાગમાં અમુક સ્ટ્રક્ચરલ ખામીઓ ઊભી થયેલી જણાતા મહાપાલિકાએ પૂલને લોકોની અવરજવર માટે બંધ કરાવી દેવાનો નિર્ણય લીધો છે.

જોકે આ પૂલ ક્યાં સુધી બંધ રખાશે તે વિશે હજી નિર્ણય લેવાયો નથી.

આ પૂલ પર અવરજવર બંધ કરી દેવાતાં ઘણાં રાહદારીઓને હાડમારી ભોગવવી પડશે. જે લોકો સૈફી હોસ્પિટલ કે હિન્દુજા કોલેજ તરફ જતા હશે એમને તકલીફ પડશે.

મહાનગરપાલિકા ચર્ની રોડ સ્ટેશનના દક્ષિણ તરફના છેડે ફૂટ ઓવરબ્રિજ બાંધી રહી છે. એ પૂલની સીડીનો એક ભાગ 2017માં તૂટી પડ્યો હતો.