મુંબઈ હાઈકોર્ટે મરાઠા અનામતને મંજૂરી આપી, પણ ક્વોટા 16%થી ઘટાડી 12-13% કર્યો

મુંબઈ – આજે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે મરાઠા અનામત બાબતે મહત્વનો નિર્ણય લીધો છે. મરાઠા સમાજના સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત લોકોને મહારાષ્ટ્ર રાજ્યમાં સરકારી નોકરીઓ તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ આપવાના સરકારના નિર્ણયને કાયદેસર ગણાવી માન્યતા આપી છે. કોર્ટે જોકે જણાવ્યું છે કે રાજ્યમાં મરાઠા અનામત ચાલુ રહેશે, પણ સરકારે જે 16 ટકા અનામત આપવાનું નક્કી કર્યું છે તે સંભવ નથી અને ટકાવારીને 16થી ઘટાડી 12-13 ટકા કરવી જોઈએ.

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મરાઠા અનામતને આજે આમ કાયદેસર માન્યતા મળી ગઈ છે. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે મહિનાઓથી ચાલતા મૂક મરાઠા આંદોલન મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે અંતિમ ચુકાદામાં જણાવ્યું કે, ‘સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત મરાઠા લોકોને સરકારી નોકરીઓ તેમજ શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા નહીં પરંતુ 12-13 ટકા અનામત કાયદેસર મળશે. આ અનામત આપવાનો રાજ્ય સરકારને પૂરો અધિકાર રહેશે.’

‘આ મહત્વપૂર્ણ નિર્ણય મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓ શ્રીમતી ભારતી ડોંગરે તેમજ રણજીત મોરેની બૅન્ચે આપ્યો છે. તેમજ એમ.જી. ગાયકવાડ કમિશનના રિપોર્ટ કે જેમાં મરાઠા સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત છે એવું સાબિત કરવામાં આવ્યું છે તે રિપોર્ટને પણ કોર્ટે સમર્થન આપ્યું છે.’ એવું પીટિશન કરનાર વકીલ વિજયાલક્ષ્મી ખોપાડેએ જણાવ્યું હતું.

‘વધુમાં કોર્ટે જણાવ્યું છે કે, તાજેતરમાં રાજ્ય સરકારે અનામતનો જે લાભ મરાઠા સમાજને આપ્યો છે તે ગાયકવાડ કમિશનના રિપોર્ટ પ્રમાણે યથાયોગ્ય છે.’ ખોપાડેએ સમાચાર સંસ્થા IANSને જણાવ્યું

ઉલ્લેખનીય છે કે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ મેળવવા માટે મરાઠા સમાજે મુંબઈ સહિત રાજ્યમાં અનેક ઠેકાણે મૂક આંદોલનો ચલાવ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને 16 ટકા અનામતનો લાભ ફાળવ્યો હતો. પણ ત્યારબાદ આ નિર્ણયના વિરોધમાં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. 6 થી 26 ફેબ્રુઆરી સુધી દરરોજ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓ – રણજીત મોરે તેમજ ભારતી ડોંગરે સમક્ષ  વિરોધી પીટિશન સંદર્ભે એડવોકેટ ગુણરત્ન સદાવર્તે, એડવોકેટ પ્રદીપ સંચેતી, એડવોકેટ શ્રીહરી અણે સહિત અન્ય વકીલોએ દલીલો રજૂ કરી હતી. છેવટે આજે ઉચ્ચ ન્યાયાલયે આજે મરાઠા અનામતની તરફેણમાં ચૂકાદો આપી દીધો છે.

લાંબા સમયથી આતુરતાથી રાહ જોતાં મરાઠા સમાજે કોર્ટના આ નિર્ણયને હર્ષોલ્લાસથી વધાવી લીધો છે.