ડાઈરેક્ટ વોલીબોલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઝળકનાર મુંબઈનિવાસી ખેલાડીઓનું સમ્માન

મુંબઈઃ તાજેતરમાં દુબઈમાં યોજાઈ ગયેલી ડાઈરેક્ટ વોલીબોલ સ્પર્ધાની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને નેપાળના કાઠમંડુમાં યોજાઈ ગયેલી ત્રીજી ઈન્ડો-નેપાલ ડાઈરેક્ટ વોલીબોલ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમના મુંબઈનિવાસી સભ્યો – અસ્તાદ ફિરોઝ પાલખીવાલા, પારસ અર્દાવિરાફ દારુવાલા અને અફરિદ ફિરોઝ પાલખીવાલાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓ દક્ષિણ મુંબઈની ગિલ્ડર લેનમાં આવેલી મર્ઝબાન કોલોનીના રહેવાસી છે.

સન્માન સમારંભમાં સમાજસેવક શ્રીમતી પેરવીન દારુવાલા, સ્થાનિક વિધાનસભ્ય અમિન પટેલ, ‘E’ વોર્ડના નગરસેવક જાવેદ જુનેજા, દિનશા મહેતા, એમના પુત્ર વિરાફ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં. મહેતા પરિવાર ઘણા વર્ષોથી મર્ઝબાન કોલોનીની વોલીબોલ ટીમને પ્રોત્સાહન આપતો આવ્યો છે અને સ્પર્ધાઓમાં સ્પોન્સર કરતો રહ્યો છે.

કાર્યક્રમમાં વિજેતા ટીમના સભ્ય ત્રણેય ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી.

દુબઈમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.