મુંબઈઃ શહેરમાં હાફૂસ કેરીની મોસમનો લગભગ અંત આવી ગયો છે. એ સાથે જ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની વેરાયટીની કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના વેપારીઓના જણાવ્યા મુજબ, મુંબઈની બજારોમાં દશેરી અને લંગડા વેરાયટીની કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે.
મધુર રસવાળી હાફૂસ કેરીની મોસમનો મુંબઈમાં જાન્યુઆરીના મધ્યથી આરંભ થતો હોય છે અને તે જૂન સુધી મળતી હોય છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં દશેરી અને લંગડા કેરીઓનું ઉત્પાદન ઓછું થયું છે એટલે તેની સપ્લાઈ પણ ઓછી છે. પરિણામે આ વખતની મોસમમાં આ બંને વેરાયટીની કેરીની કિંમત ઊંચી રહેશે.
