મુંબઈઃ અહીંનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ વખતના શિયાળાની મોસમના સમયપત્રકમાં જુદા જુદા 115 સ્થળો માટે પ્રવાસીઓને કનેક્ટિવિટી પૂરી પાડશે અને દરરોજ 975 ફ્લાઈટ્સનું સંચાલન કરશે. મુંબઈમાં શિયાળાની મોસમનું સમયપત્રક 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 2024ની 30 માર્ચ સુધી ચાલશે.
(તસવીર સૌજન્યઃ @CSMIA_Official)
2022ના શિયાળાની મોસમની સરખામણીમાં આ વર્ષે ઘણા નવા ડેસ્ટિનેશન્સ તથા દૈનિક ફ્લાઈટ્સની સંખ્યામાં 8 ટકાનો વધારો થશે. મુંબઈ એરપોર્ટ કઝાખસ્તાનના અલમાટી અને ઈન્ડોનેશિયાના બાલી જેવા નવા ઈન્ટરનેશનલ રૂટ માટે ફ્લાઈટ સંચાલન કામગીરીનું વિસ્તરણ કરશે. આ ઉપરાંત એર કેનેડા અને એઝરબૈજન એરલાઈન્સની સેવાઓને પણ ફરી શરૂ કરશે, જેથી આ બે એરલાઈન્સ દ્વારા પ્રવાસ કરનારાઓને સુવિધા મળશે.
કનેક્ટિવિટી પ્રાપ્ત કરનાર નવા સ્થળોમાં આફ્રિકાના એન્ટેબી, લાગોસ, માલદીવ, વિયેટનામના હો ચી મિન અને હેનોઈ શહેરો, મોરિશ્યસ અને સેશેલ્સ જેવા ટાપુરાષ્ટ્રોનો સમાવેશ થાય છે. મુંબઈ એરપોર્ટથી વિમાનસેવા માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ઈન્ડીગોનો છે – 38 ટકા. તે પછીના નંબરે એર ઈન્ડિયા (18 ટકા) અને વિસ્તારા (15 ટકા) આવે છે.