મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ 30-વર્ષના એક શખ્સની ધરપકડ કરી છે જે ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નશીલી દવાઓ સપ્લાય કરતો હોવાનું મનાય છે.
તપાસ એજન્સી એનસીબીના એક અધિકારીએ આજે કહ્યું કે બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુને લગતા ડ્રગ્સ કેસની તપાસ સાથે આ શખ્સનું કનેક્શન પણ સપાટી પર આવ્યું છે.
આરોપીનું નામ છે – અબ્દુલ વાહિદ. એને ગઈ કાલે મુંબઈના અંધેરી (વેસ્ટ) ઉપનગરના આઝાદ નગર સ્ટેશન પરથી પકડવામાં આવ્યો હતો. એની પાસેથી 650 ગ્રામ ગાંજા, મેફીડ્રોન (MD તરીકે પણ જાણીતી છે) તેનો ચોક્કસ જથ્થો અને ચરસ, ઉપરાંત રૂ. 1 લાખ 75 હજારની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
વાહિદને એક મોટી ધરપકડ તરીકે માનવામાં આવે છે, કારણ કે એ ફિલ્મ ઉદ્યોગ અને ટીવી સિરિયલો સાથે સંકળાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત ડ્રગ્સ કેસની તપાસ સાથે સંબંધમાં એનસીબીએ અગાઉ અભિનેત્રી રીયા ચક્રવર્તી તથા અન્ય કેટલાક લોકોની ધરપકડ કરી હતી.
રીયા ચક્રવર્તી હાલ જામીન પર છૂટી છે.
34 વર્ષીય સુશાંતસિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
