અર્ણબ ગોસ્વામી 14-દિવસ અદાલતી કસ્ટડીમાં; હાઈકોર્ટમાં જશે

મુંબઈઃ ઈન્ટિરીયર ડિઝાઈનર અને આર્કિટેક્ટ અન્વય નાઈક અને એમના માતાની આત્મહત્યાના 2018ના કેસના સંબંધમાં રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીને અલિબાગ જિલ્લા કોર્ટે 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આમ, ગોસ્વામીને 18-નવેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં રહેવું પડશે.

જિલ્લા કોર્ટના આદેશને ગોસ્વામી આજે મુંબઈ હાઈકોર્ટમાં પડકારે એવો અહેવાલ છે.

પોલીસોએ ગઈ કાલે સવારે મુંબઈમાં વરલીસ્થિત ગોસ્વામીના નિવાસસ્થાને જઈને એમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બપોરે રાયગડ જિલ્લા સ્થિત અલિબાગ નગર ખાતે લઈ જઈ જિલ્લા કોર્ટમાં હાજર કર્યા હતા.

પોલીસે પોતાની મારપીટ કરી હોવાન અર્ણબના આરોપને પોલીસે ફગાવી દીધો છે.

આ કેસ આત્મહત્યા માટે મજબૂર કરવાનો છે.

ગોસ્વામીની સાથે નિતેશ સાર્ડા અને ફિરોઝ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે.

નાઈકે એમની સુસાઈડ નોટમાં આ ત્રણેય જણના નામ આપ્યા છે. ત્રણેય આરોપીએ પોતાને વળતરની રકમ ન ચૂકવતાં પોતે આર્થિક ભીંસમાં આવી જતાં આત્મહત્યા કરી રહ્યા છે એવું નાઈકે સુસાઈડ નોટમાં લખ્યું હતું.

જિલ્લા કોર્ટે ગઈ કાલે પાંચ કલાક સુધી સુનાવણી કર્યા બાદ ગોસ્વામી સહિતના આરોપીઓને 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી.

આરોપીઓને પોલીસ રીમાન્ડ પર લેવા દેવાની વિનંતી કોર્ટે નકારી કાઢી હતી.

પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે નાઈક માતા-પુત્ર આત્મહત્યા કેસની તપાસમાં આરોપીઓને ફાયદો કરાવવા માટે અનેક છટકબારીઓ રાખવામાં આવી હોવાનું નવેસરથી હાથ ધરાયેલી તપાસમાં માલૂમ પડ્યું છે.

અન્વય નાઈકના પત્ની અક્ષતા ગયા મે મહિનામાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યાં હતાં અને આ કેસને ફરી ખોલી નવેસરથી તપાસ હાથ ધરવાની વિનંતી કરી હતી. મહારાષ્ટ્રના અનેક પ્રધાનોએ પણ અક્ષતા નાઈકને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ દેશમુખે કેસને ફરી ખોલવાનો આદેશ આપ્યો હતો.