મુંબઈઃ જ્યાં છેલ્લા એક મહિનાથી કોરોનાવાઈરસનો એક પણ કેસ નોંધાયો ન હોય એવા ઝોનમાં આવતી 15 જુલાઈથી 8-12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે. શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું છે કે માતાપિતા/વાલીઓની સંમત્તિ મેળવ્યા બાદ કોવિડ-ઝોનની બહારની શાળાઓમાં શારીરિક સ્વરૂપે વર્ગો ફરી શરૂ કરી શકાશે.
શાળા ફરી શરૂ કરાતા પહેલાં સંબંધિત શાળાઓનાં તમામ શિક્ષકો તથા બિન-શિક્ષણ કર્મચારીઓનું કોરોના-પ્રતિરોધક રસીકરણ થાય એ બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે. શાળાઓ ફરી શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકારે ઘડેલા કોરોના-પ્રતિરોધક નિયમોનું સૌએ કડક રીતે પાલન કરવાનું રહેશે. આ બાબતની તકેદારી રાખવા માટે ગામ-સ્તરે એક સમિતિની રચના કરવામાં આવશે, જેના વડા ગ્રામ પંચાયતના સરપંચ હશે.