મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસે આજે જળગાંવમાં હતા ત્યારે એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એમને તાત્કાલિક ત્યાંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એમને વધારે સારવારની જરૂર જણાતાં એમને મુંબઈ લાવવા માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. 71 વર્ષીય ખડસેને આજે બપોરે હાર્ટ એટેક આવ્યો હતો. એમણે ગઈ કાલે સાંજથી જ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.
(ફાઈલ તસવીરઃ @EknathGKhadse)
તેઓ આજે બપોરે જળગાંવની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ગયા હતા. ત્યાં ડોક્ટરોને એમના સ્વાસ્થ્યમાં ચોક્કસ બગાડો થયો હોવાનું માલુમ પડ્યું હતું. મરાઠી દૈનિક મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ, મુખ્ય પ્રધાન શિંદેએ કરેલી વ્યવસ્થા મુજબ જળગાંવથી સાંજે 7 વાગ્યાની એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ દ્વારા એમને મુંબઈ લાવનાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જળગાંવમાં ખડસેની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટરે કહ્યું કે નેતાને છેલ્લા 48 કલાકથી છાતીમાં ગભરામણ થતી હતી. એમની તબિયત હવે સ્થિર છે. પરંતુ એમને વધારે તબીબી દેખરેખ માટે મુંબઈ મોકલવામાં આવશે. ખડસે 2020માં ભારતીય જનતા પાર્ટી છોડીને એનસીપીમાં જોડાયા હતા.