ખતરાની ઘંટીઃ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાનાં નવા 22 દર્દીઓ નોંધાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો શિકાર બનતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે એક જ દિવસમાં નવા 22 દર્દીઓ નોંધાયા છે. આને કારણે રાજ્ય માટે ચિંતા વધી ગઈ છે.

આજે નવા 22 દર્દીઓ નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 203 થઈ છે.

આજે નવા નોંધાયેલા દર્દીઓમાં મુંબઈમાં 10, પુણેમાં પાંચ, નાગપુરમાં 3, એહમદનગરમાં, સાંગલી, બુલઢાણા, જળગાંવમાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે બે કોરોના દર્દીનાં જાન ગયા હોવાનો અહેવાલ છે.

રાજ્યમાં કોરોનાનો ચેપ લાગેલા 35 દર્દીઓનું સ્વાસ્થ્ય સારું થયાનો પણ અહેવાલ છે. આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ જાણકારી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી છે.

મુંબઈમાં 40 વર્ષીય મહિલાનું કેઈએમ હોસ્પિટલમાં નિધન થયું હતું. એમને શ્વાસ રૂંધાઈ જવાની તકલીફ હતી.

બુલઢાણામાં 45 વર્ષીય પુરુષનું નિધન થયું છે. એમને ડાયાબિટીસની તકલીફ હતી.

આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 8 થઈ છે.

ચોક્કસ વિસ્તારોમાં ભીડ ન કરોઃ CM ઠાકરેની લોકોને અપીલ

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફરી રાજ્યની જનતાજોગ કરેલા સંબોધનમાં કહ્યું કે કોરોના વાઈરસને નાથવા માટે લોકોના પ્રયાસો અને સહકારને જોઈ શકાય છે, તે ઉત્સાહજનક છે, પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાનાં ઝડપથી વધી રહેલા કેસની બાબત ચિંતાજનક છે. લોકડાઉન કરવા છતાં કેસની સંખ્યા વધી રહી છે. મારી તમામ ધર્મના લોકોને વિનંતી છે કે ચોક્કસ વિસ્તારોમાં ભીડ કરવાનું ટાળો. આ આરોગ્યને લગતી ઈમરજન્સી છે.