મહારાષ્ટ્ર સરકારનો છબરડોઃ SSC પાઠ્યપુસ્તકોમાં જમ્મુ-કશ્મીરને ભારતમાંથી આઉટ કર્યું

મુંબઈ – મહારાષ્ટ્રમાં આ વર્ષ માટે નવા પ્રકાશિત કરાયેલા એસએસસી (10મા) ધોરણ માટેના પાઠ્યપુસ્તકોમાં જમ્મુ અને કશ્મીર રાજ્યના મોટા ભાગને દેશની બહાર બતાવ્યો છે. તે ઉપરાંત, રાષ્ટ્રીય તિરંગાનું ખોટું ચિત્ર બતાવવામાં આવ્યું છે.

આ દાવો વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે આજે અહીં કર્યો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં કોંગ્રેસી નેતા વિખે-પાટીલે આ બાબતમાં તપાસ કરાવવાની માગણી કરી છે અને 10મા ધોરણના ભૂગોળ વિષયના પાઠ્યપુસ્તકમાં આ ગંભીર છબરડો કરવા માટે ગુનેગાર ઠરે એ તમામની ધરપકડ કરવાની માગણી કરી છે.

વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ

વિખે-પાટીલે એવો નિર્દેશ કર્યો છે કે આ ગંભીર છબરડો હાલમાં જ મહારાષ્ટ્ર સ્ટેટ બ્યૂરો ઓફ ટેક્સ્ટબુક પ્રોડક્શન એન્ડ કરિક્યૂલમ રીસ્ચ દ્વારા પ્રકાશિત કરેલા 2018ના શૈક્ષણિક વર્ષ માટેના પાઠ્યપુસ્તકોમાં જોવા મળ્યો છે.

ભૂગોળના પાઠ્યપુસ્તકમાં, પાનાં નંબર 24 પર, ત્રીજા પ્રકરણમાં ભારતનો નકશો પ્રકાશિત કરાયો છે, પણ એમાં જમ્મુ અને કશ્મીર રાજ્યના મોટા ભાગને દેશની સરહદની અંદર બતાવાયો નથી.