મુંબઈ યુનિવર્સિટીને આખરે 7 મહિને મળ્યા નવા વાઈસ-ચાન્સેલર

0
1230

મુંબઈ – અત્રે માટુંગાની રામનારાયણ રુઈયા ઓટોનોમસ કોલેજના પ્રિન્સીપાલ સુહાસ રઘુનાથ પેડણેકરને મુંબઈ યુનિવર્સિટીના નવા વાઈસ-ચાન્સેલર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ, જે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાંની તમામ યુનિવર્સિટીના ચાન્સેલર ગણાય છે, એમણે આજે અહીં રાજભવન ખાતે પેડણેકરને અપોઈન્ટમેન્ટ લેટર સુપરત કર્યો હતો.

પેડણેકરની મુદત પાંચ વર્ષની અથવા એ 65 વર્ષની વયે પહોંચે ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધીની રહેશે.

પેડણેકર સંજય દેશમુખના અનુગામી બન્યા છે. દેશમુખને પરીક્ષાઓનાં પરિણામોમાં ગડબડ-ગોટાળા ઊભા કરવા માટે આરોપી જાહેર કરાયા બાદ 2017ની 24 ઓક્ટોબરે હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

ત્યારથી કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર મુંબઈ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરનો અતિરિક્ત ચાર્જ સંભાળતા હતા.