મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોનું વિકાસ-ભંડોળ વધારીને રૂ.પાંચ-કરોડ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક તેમજ વિપક્ષ, એમ તમામ રાજકીય પક્ષોનાં વિધાનસભ્યોમાં આનંદ છવાઈ ગયો છે. સરકારે રાજ્યનાં વિધાનસભ્યોને એમનાં પોતપોતાનાં મતવિસ્તારોમાં જનતાલક્ષી વિકાસકાર્યો હાથ ધરવા માટે આપવામાં આવતા વિકાસ ભંડોળની રકમને રૂ. ચાર કરોડથી વધારીને પાંચ કરોડ કરી દીધી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં આની જાહેરાત કરી હતી. એમની જાહેરાતને તમામ વિધાનસભ્યોએ નારા લગાવીને અને પાટલીઓ પર હાથ પછાડીને આનંદ સાથે આવકાર આપ્યો હતો. એવી જ રીતે, વિધાનસભ્યોનાં પર્સનલ આસિસ્ટન્ટ (PA) તથા ડ્રાઈવરોને અપાતા ભંડોળમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

પવારે કહ્યું કે અમારી સરકાર રાજ્યનો સર્વાંગિણ વિકાસ કરવા પ્રતિબદ્ધ છે અને કોઈ ચોક્કસ વિસ્તાર કે પ્રદેશની અવગણના કરવી એ અમારી સંસ્કૃતિમાં નથી.