એ વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યપાલે માફી માગી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ વિશેના એમના એક નિવેદનને કારણે ઊભા થયેલા વિવાદ બાદ માફી માગી લીધી છે. માફીપત્રમાં એમણે જણાવ્યું છે કે, ‘મુંબઈના વિકાસમાં દેશના અમુક સમાજબાંધવોએ આપેલા યોગદાનની પ્રશંસા કરતી વખતે મારાથી કદાચ અમુુક ભૂલ થઈ ગઈ હતી. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર દેશના વિકાસમાં તમામ સમુદાયોનું વિશેષ યોગદાન રહ્યું છે. લગભગ ત્રણ વર્ષમાં મને મહારાષ્ટ્રની જનતા તરફથી અપાર પ્રેમ પ્રાપ્ત થયો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું સમ્માન વધારવાનો પૂરો પ્રયાસ કર્યો છે, પરંતુ કાર્યક્રમમાં ભાષણ કરતી વખતે મારાથી અમુક ભૂલ થઈ ગઈ હતી. મહારાષ્ટ્ર જેવા મહાન પ્રદેશનું અપમાન કરવાની કલ્પના પણ કરી શકાય નહીં. આ રાજ્યસેવકને માફ કરીને જનતા પોતાના વિશાળ હૃદયનો પરિચય આપશે.’

ઉલ્લેખનીય છે કે, કોશ્યારીએ ગયા અઠવાડિયે અંધેરી ઉપનગરમાં એક જાહેર કાર્યક્રમમાં એમના સંબોધનમાં એમ કહ્યું હતું કે મુંબઈમાંથી જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકો તો મુંબઈમાં પૈસા જ ન રહે. એમના આ વિવાદાસ્પદ નિવેદનની વ્યાપક ટીકા થઈ છે. કોશ્યારીને રાજ્યપાલના પદ પરથી હટાવવામાં આવે એવી માગણી પણ થઈ હતી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એ રાજ્યપાલનું અંગત મંતવ્ય છે, તેઓ એમની સાથે સહમત થતા નથી. ભાજપ નેતાગીરીએ પણ કોશ્યારીના વિધાનને સમર્થન આપ્યું નહોતું.