મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો ગંભીર ફેલાવોઃ મૃત્યુ પામેલાઓનો આંક 94

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્યના જાહેર આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં સ્વાઈન ફ્લૂની બીમારીને કારણે ગયા બુધવાર સુધીમાં 94 દર્દીઓ મૃત્યુ પામ્યાં છે.

મહારાષ્ટ્રમાં હવામાનમાં આવેલા ફેરફારોને લીધે  આ વર્ષે આ બીમારીનાં ઘણા વધારે કેસો નોંધાયા છે.

સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂ અથવા H1N1 વાયરસ લાગુ પડેલા અને સારવાર આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધીને 1,236 થઈ ગઈ છે.

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધારે કેસ નાશિક, નાગપુર, એહમદનગર અને પુણે શહેરમાં નોંધાયા છે.

રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા 94 મરણોમાં નાશિક જિલ્લામાં 24 જણ, નાગપુરમાં 16, એહમદનગરમાં 12 અને પુણે શહેરમાં 8 જણનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 8,15,000 જણને સ્વાઈન ફ્લૂની અસર હોવાનું માલૂમ પડ્યું હતું. એમાંના 247 જણને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આઠ દર્દીઓ વેન્ટીલેટર સપોર્ટ પર છે.

સ્વાઈન ફ્લૂ બીમારીનાં આ લક્ષણો છે – તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો-કળતર થાય, માથામાં દુખાવો રહે, થાક લાગે, ઝાડા થાય, શરીરમાં નબળાઈ આવે.