વયોવૃદ્ધ કિસાને મંત્રાલયમાં આત્મહત્યા કરતાં મુંબઈના રાજકારણમાં ખળભળાટ

મુંબઈ – 84 વર્ષના અને ધર્મા પાટીલ નામના એક કિસાને અહીં દક્ષિણ મુંબઈ ખાતે રાજ્ય સરકારના મુખ્યાલય – મંત્રાલય ખાતે ઝેર ખાઈને કરેલી આત્મહત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પાટીલે રવિવારે મોડી રાતે મંત્રાલયમાં જઈને આત્મહત્યા કરી હતી.

કોંગ્રેસ અને તેના મિત્ર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો છે કે આ આત્મહત્યા નથી, પણ ભાજપ-શિવસેનાની યુતિવાળી સરકારે કરેલી હત્યા છે.

ઉલ્લેખનીય છે કે ધૂળેનિવાસી ધર્મા પાટીલ ગઈ 22 જાન્યુઆરીએ મંત્રાલયમાં ગયા હતા અને એમની જમીન મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપનીએ સોલાર પાવર પ્રોજેક્ટ માટે મેળવી લીધી હોવાથી પોતાને નક્કી કરાયેલું વળતર વધારવું જોઈએ એવી માગણી કરી હતી. એ માટે એમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવાની માગણી પણ કરી હતી.

તે છતાં એ રવિવારે અચાનક ઢળી પડ્યા હતા અને એમને તાબડતોબ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી બાદમાં એમને સર જે.જે. હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પાટીલે એમના પુત્ર નરેન્દ્ર પાટીલને કહ્યું હતું કે પોતે ઉંદરને મારવાની ઝેરની દવા પી લીધી છે. ત્યારબાદ એમની તબિયત ગંભીર બની ગઈ હતી અને એમને ડાયાલિસીસ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ રવિવારે રાતે એમનું નિધન થયું હતું.

આજે સવારે, નરેન્દ્ર પાટીલે જમીનનું અતિરિક્ત મૂલ્ય આપવાની રાજ્ય સરકાર જ્યાં સુધી પોતાને ખાતરી ન આપે ત્યાં સુધી પોતાના પિતાનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.

એને પગલે રાજકીય અફડાતફડી મચી ગઈ હતી. રાજ્ય સરકારે નરેન્દ્ર પાટીલને પત્ર આપ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે એમની તમામ માગણીઓ પર વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ પાટીલના પરિવારજનોએ ધર્મા પાટીલનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમ સંસ્કાર માટે ધૂળે લઈ ગયા હતા.