ઈન્કમ ટેક્સ વિભાગે અલીબાગમાં શાહરૂખની આલીશાન ફાર્મહાઉસ પ્રોપર્ટી સીલ કરી

મુંબઈ – ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ મુંબઈની નજીકમાં આવેલા પર્યટન સ્થળ અલીબાગમાં બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એક પ્રોપર્ટીને સીલ કરી દીધી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, ઈન્કમ ટેક્સ વિભાગે દરિયાકિનારા માટે જાણીતા નગર અલીબાગમાં આવેલી શાહરૂખની પ્રોપર્ટી, દેજા વૂ ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેટને તાત્પૂરતી સીલ કરી દીધી છે. પ્રોપર્ટીને સીલ કરતા પહેલાં ઈન્કમ ટેક્સ વિભાગે ગયા ડિસેમ્બરમાં શાહરૂખને પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ હેઠળ નોટિસ મોકલી હતી.

એક સિનિયર ઈન્કમ ટેક્સ અધિકારીનું માનવું છે કે જો કોઈ તપાસનીશ અધિકારીને એવું જણાય કે સંબંધિત વ્યક્તિ બેનામીદાર છે તો અધિકારી તે વ્યક્તિને કે લાભાર્થી માલિકને અટેચમેન્ટ નોટિસ મોકલી શકે છે. કાયદાની જોગવાઈ અનુસાર, નોટિસ ઈસ્યૂ કરાય એના 90 દિવસની અંદર સંબંધિત પ્રોપર્ટીને સીલ કરી શકાય.

આ પ્રોપર્ટીનો સર્કલ રેટ રૂ. 14 કરોડ 67 લાખ છે, પરંતુ એની માર્કેટ પ્રાઈસ પાંચ ગણી વધારે છે. આ એક લક્ઝરી પ્રોપર્ટી છે. શાહરૂખનું આ ફાર્મહાઉસ 19,960 સ્ક્વેર મીટર વિસ્તારમાં પથરાયેલું છે. એમાં સ્વિમિંગ પૂલ, બીચ અને ખાનગી હેલીપેડ જેવી સુવિધાઓ છે.

ઈન્કમ ટેક્સ વિભાગે આ પ્રોપર્ટી વિશે શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરને ગઈ 24 જાન્યુઆરીએ ઈમેલ મોકલવામાં આવ્યો હતો, પણ અનેક રીમાઈન્ડર મોકલવામાં આવ્યા હોવા છતાં એ લોકોએ તેનો કોઈ જવાબ આપ્યો નહોતો.

શાહરૂખ ખાન સામે મોટો આક્ષેપ એ છે કે એણે ખેતીવાડી માટે કૃષિલાયક જમીન ખરીદવા માટે અરજી કરી હતી, પણ એને બદલે એણે અલીબાગમાં તે જમીન પર અંગત ઉપયોગ માટે ફાર્મહાઉસ બનાવી દીધું. આ કથિત સોદો બેનામી સોદાની પરિભાષા હેઠળ આવે છે. જેમાં દેજા વૂ ફાર્મ્સ બેનામીદાર છે જેનો લાભાર્થી શાહરૂખ ખાન છે.