ભારતીય નેવીમાં સામેલ કરાઈ સબમરીન ‘INS કરંજ’; ચીન-પાક.ના રડાર પણ નહીં પકડી શકે

મુંબઈ – ભારત તેની સમુદ્રી તાકાત સતત મજબૂત કરી રહ્યું છે. જેના ભાગ રુપે સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન INS કરંજનો આજે ભારતીય નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નૌસેના પ્રમુખ સુનિલ લાંબા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. INS કરંજને મુંબઈમાં મઝગાંવ ડોક્યાર્ડમાં તૈયાર કરવામાં આવી છે. INS કરંજ સંપૂર્ણરીતે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવી છે.

કલવરી અને ખાંદેરી બાદ હવે કરંજનો ભારતીય નેવીમાં સમાવેશ કરાયા બાદ ભારતની સમુદ્રી તાકાતમાં અનેકગણો વધારો થયો છે. હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી હાજરી અને અરબ સાગરમાં પાકિસ્તાનને જવાબ આપવા ભારતીય સબમરીન કરંજ મહત્વની ભૂમિકા ભજવશે. સૌથી મહત્વની વાત છે કે, INS કરંજ ચીન અને પાકિસ્તાનના રડારમાં પણ પકડાવી મુશ્કેલ છે.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે બોલીવૂડમાં પ્રસારિત થયેલી ફિલ્મ ગાઝી INS કરંજ પર આધારિત હતી. જેણે વર્ષ 1971ની ભારત-પાકિસ્તાન લડાઈમાં 18 દિવસ સુધી પાણીમાં રહીને હુમલા સહન કર્યા હતા અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.

મહત્વનું છે કે, આ પહેલા સબમરીન કરંજને 4 સપ્ટેમ્બર 1969ના રોજ ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2003માં તેને સેવા નિવૃત્ત કરવામાં આવી હતી. હવે ફરી એકવાર તેનો નવા અવતાર સાથે ભારતીય નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(તસવીરોઃ દીપક ધુરી)