મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રહેણાંક કોલોનીઓનાં નામ જાતિ-આધારિત હશે એ તમામને બદલવા માટેના એક પ્રસ્તાવને રાજ્યના પ્રધાનમંડળે ગઈ કાલે પાસ કરી દીધો છે. કેબિનેટ પ્રધાન અસલમ શેખે કહ્યું કે આ બધી જાતિ-આધારિત રહેણાંક કોલોનીઓ બ્રિટિશ હકૂમતના સમયમાં સ્થાપવામાં આવી હતી, જેનો ઈરાદો લોકોમાં ભાગલા પડાવવાનો હતો. તેથી હવે એવું નક્કી કરાયું છે કે એવી કોલોનીઓનાં નામ બદલવા અને દેશ માટે જેમણે સમાજસેવા કરી હોય એવી વ્યક્તિઓના નામ આપવા.
મહાર-વાડા, બૌદ્ધ-વાડા, માંગ-વાડા, ઢોર-બસ્તી, બ્રાહ્મણ-વાડા, માલી-ગલી જેવા નામો સામાન્ય રીતે અપાયા છે, પણ મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં તે જરૂરી નથી. આવા નામ પરથી સામાન્ય રીતે માલૂમ પડે છે કે એક ચોક્કસ સમાજનાં લોકો આ મોહલ્લામાં રહે છે, એમ મુખ્ય પ્રધાનના કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલી અખબારીમાં યાદીમાં જણાવાયું છે.
આ મોહલ્લાઓના નામ બદલવાનો નિર્ણય સામાજિક એખલાસ તથા રાષ્ટ્રીય એકતા જાળવવા માટે લેવામાં આવ્યો છે. આવી રહેણાંક કોલોનીઓને નવા નામો અપાશે, જેમ કે, સમતા નગર, ભીમ નગર, જ્યોતિ નગર, શાહૂ નગર, ક્રાંતિ નગર વગેરે.