મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી જતાં અને નાગરિકો દ્વારા આરોગ્યના નિયમો ન કરાતા, સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી ન લેવાતા 15-દિવસનું કડક લોકડાઉન લાગુ કરવામાં આવનાર છે. આ લોકડાઉન 18 જૂનના ગુરુવારથી શરૂ થશે.
આ જાહેરાત ભિવંડી મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે મિશન બિગિન અગેઈન ઝુંબેશ અંતર્ગત કોરોના-લોકડાઉનને હળવું કર્યું છે, ઘણી છૂટાછાટો જાહેર કરી છે, પણ ભિવંડી શહેરમાં એ છૂટછાટોનું પદ્ધતિસર પાલન કરવામાં આવ્યું નથી પરિણામે કોરોના વાઈરસનો ફેલાવો વધ્યો છે અને દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.
આને કારણે ભિવંડી શહેર 18 જૂનથી 3 જુલાઈ સુધી સંપૂર્ણપણે બંધ રખાશે.
ભિવંડીનાં મહિલા મેયર પ્રતિભા પાટીલે મહાનગરપાલિકાની સર્વસાધારણ સભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે કોરોનાની ચેન તોડવા માટે શહેરમાં 15-દિવસનું કડક લોકડાઉન લાગુ કરવું જોઈએ. એ પ્રસ્તાવને તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો. બાદમાં મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ આષ્ટિકરે પણ એ માટે પરવાનગી આપી દીધી છે.
આ સાથે જ, ગુરુવારથી શહેરમાં તમામ રસ્તાઓ પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. માત્ર મેડિકલ, દૂધ, કરિયાણાની દુકાનો જેવી આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવા દેવામાં આવશે. આ દુકાનો માટે પણ ચોક્કસ કલાકો નક્કી કરવામાં આવ્યા છે, જે પ્રમાણે દુકાનો ખોલવાની રહેશે અને બંધ કરી દેવાની રહેશે.
ભિવંડીમાં મંગળવાર રાત સુધીમાં કોરોનાના 650 દર્દીઓની નોંધણી થઈ હતી અને અત્યાર સુધીમાં 30 જણના મૃત્યુ થયા છે.