મુંબઈ – આગામી મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાન ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી મામલે સમજૂતી થયાની આજે જાહેરાત કરવામાં આવી છે.
બંને પાર્ટી ચૂંટણીમાં 125-125 બેઠકો પર ચૂંટણી લડશે. આ જાહેરાત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આજે કરી છે.
મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. એ માટેની ચૂંટણી આવતા મહિને નિર્ધારિત છે.
ચવ્હાણે કહ્યું કે બાકીની 38 બેઠકો સહયોગી એવી નાની પાર્ટીઓને ફાળવી દેવામાં આવશે.
2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષે અલગ અલગ રીતે ચૂંટણી લડી હતી.
એ વખતે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી ન સધાતાં એનસીપીના વડા શરદ પવારે બંને પક્ષ વચ્ચે 15-વર્ષ જૂના જોડાણનો અંત લાવી દીધો હતો.
ગઈ વેળાની ચૂંટણીમાં કોંગ્રેસે 42 સીટ જીતી હતી જ્યારે એનસીપીના ઉમેદવારો 41 સીટ પર વિજયી થયા હતા.
ભારતીય જનતા પાર્ટી 122 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. પરંતુ એને બહુમતી મળી નહોતી.
ભાજપના સહયોગી પક્ષ શિવસેનાએ 63 સીટ જીતી હતી અને એ ભાજપને ટેકો આપવા માટે સહમત થઈ હતી.
એ વખતે પવારની એનસીપીએ કહ્યું હતું કે જો શિવસેના ના પાડશે તો પોતાની પાર્ટી ભાજપને રાજ્યમાં સરકાર બનાવવામાં બહારથી ટેકો આપશે.